સીઈટી પાછળનો તર્ક સમજાતો નથી શાળાઓ, બોર્ડ અને વાલીઓનો સવાલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ધોરણ 10 બાદ સીઈટી પરીક્ષા યોજવાના સરકારના વિચારનો શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિકાર થઈ રહ્યો છે અને આ પરીક્ષા યોજવા સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે.
બૉમ્બે હાઈ કોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી આ સપ્તાહમાં થવાની છે ત્યારે વિવિધ શાળાઓનાં મંડળોએ આ બાબતમાં સ્પષ્ટતા કરવાનું રાજ્ય સરકારને જણાવ્યું છે. આવાં મંડળોના વડાઓએ જણાવ્યું હતું કે, કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) નહીં યોજવા તેમણે કરેલી અરજીઓ અંગે કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. કેમ્બ્રિજ બોર્ડની બાબતમાં વિદ્યાર્થીઓએ સદેહે માર્ચમાં પરીક્ષા આપી હતી અને તેમને એ વાત સમજાતી નથી કે, તેમણે સીઈટી શા માટે આપવી જોઈએ.
ભારે દબાણ હેઠળ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને મોટો ખતરો ઉઠાવયો હતો અને હવે તેઓ એ વાતથી ભારે અસ્વસ્થ છે કે, જેઓ સીઈટી આપશે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમણે સદેહે બોર્ડની પરીક્ષા આપી છે તેવા વિદ્યાર્થીઓનો કોઈ ઉલ્લેખ નથી કે કોઈ જોગવાઈ નથી એમ મેમ્બર્સ અૉફ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ ઍસોસિયેશનના ચૅરમૅન કવિતા અગ્રવાલે જણાવ્યું હતું.
આ બાબત અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે. સીઈટી વૈકલ્પિક છે, પરંતુ જુનિયર કૉલેજોમાં ઍડ્મિશન માટે જેમણે સીઈટી આપી હશે તેમને પ્રાધાન્ય અપાશે. એટલે ઘણા વાલીઓ તેમનાં સંતાનોને સીઈટી આપવા જણાવી રહ્યાં છે.
હવે જો સીઈટીના માર્કસ અને 10મા ધોરણના માર્ક્સમાં ભારે તફાવત રહે તો ઍડ્મિશન માટે ક્યાં માર્ક્સને ગણતરીમાં લેવામાં આવશે એ પણ એક સવાલ છે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer