પાછા કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ; 41.54 કરોડનું રસીકરણ

મહારાષ્ટ્રના આંકડા સુધારાતાં મૃત્યુઆંક ચાર હજાર નજીક
નવી દિલ્હી, તા. 21 : સંક્રમણ અને મરણના આંકમાં ઘટાડો થવા માંડતાં હાશકારા વચ્ચે બુધવારે ભારતમાં 39 દિવસ બાદ ચાર હજાર નજીક મોત થયા હતા, તો ફરી 40 હજારથી વધુ નવા દર્દી સામે આવતાં નવેસરથી ઉચાટ ફેલાયો છે.
મહારાષ્ટ્રમાં 14મી વાર આંકડા સુધારવાની કવાયત હાથ ધરાતાં આ રાજ્યમાં 3509 સહિત દેશભરમાં બુધવારે વધુ 3998 દર્દી `કોરોનાનો કોળિયો' બની જતાં અત્યાર સુધી કુલ 4,18,480 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
દેશમાં આજે 42,015 નવા દર્દીનો ઉમેરો થતાં કુલ સંક્રમિતોની સંખ્યા 3.12 કરોડને આંબી, 3 કરોડ, 12 લાખ, 16,337 થઈ ગઈ છે.
દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 36,977 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 3 કરોડ 3 લાખ, 90,687 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
બીજીતરફ, આજે 1040 કેસના વધારા સાથે આજની તારીખે સારવાર હેઠળ છે તેવા દર્દીઓનો આંક વધીને 4,07,170 થઈ ગયો છે.
કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ 1.30 ટકા છે, તો રિવકરી રેટ 97.37 ટકા છે. મૃત્યુદર વધીને 1.34 ટકા થઈ ગયો છે.
સંક્રમણનો દૈનિક દર 2.27 ટકા છે, તો સાપ્તાહિક દર સતત ઘટતો રહીને બુધવારે 2.09 ટકા રહ્યો હતો.
રસીનું સુરક્ષા કવચ મેળવનાર લોકોની સંખ્યા 41 કરોડને આંબી, 41.54 કરોડ થઈ ગઈ છે, તો દેશમાં અત્યાર સુધી 45 કરોડ નજીક 44.91 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer