કોરોનાની રસીના બંને ડૉઝ લેનારાઓને બહાર નીકળવાની છૂટ હોવી જોઈએ અજિત પવાર

આવતા સપ્તાહમાં લોકલ શરૂ નહીં કરાય તો આંદોલન : ભાજપ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : કોવિડ-19ની બે રસીના ડૉઝ લેનારાઓને બહાર ફરવાની પરવાનગી આપવી જોઈએ. આ બાબતે હું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીશ એમ આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું છે. તેના કારણે ભાજપના આગેવાન અને વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે લોકલ ટ્રેન શરૂ કરવા માટેની પોતાની માગણી ફરી દોહરાવી છે.
પ્રવીણ દરેકરે આજે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકાર આગામી સપ્તાહમાં કોવિડ-19ની બંને રસી લેનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ નહીં આપે તો ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ આંદોલન છેડવામાં આવશે. તેથી `આઘાડી' સરકારે નાગરિકોને લોકલમાં પ્રવાસની છૂટ આપવી જોઈએ એવી વિનંતી કરું છું એમ દરેકરે ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનો ઉપદ્રવ કાબૂમાં આવ્યો છે આમ છતાં કોરોનાની ત્રીજી લહેરના ભયના કારણે `આઘાડી' સરકાર લોકલ ટ્રેનમાં નાગરિકોને છૂટ સહિત લૉકડાઉનમાં વિવિધ છૂટ આપતા અચકાય છે.

Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer