સીએએ અને એનઆરસી હિંદુ-મુસ્લિમમાં ભેદભાવ વિષયક કાયદા નથી ડૉ. મોહન ભાગવત

ગુવાહાટી, તા. 21 : સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનઆરસી)ને હિંદુ-મુસ્લિમમાં ભેદભાવ સાથે કોઇ જ લેવાદેવા નથી, કેટલાક લોકો રાજકીય ફાયદા માટે આ બંને ઍક્ટ વિશે લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે આજે જણાવ્યું હતું. આસામની બે દિવસની મુલાકાતે ગયેલા ડૉ. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આ બંને કાયદાથી દેશના મુસ્લિમ સમુદાયને કોઇ નુકસાન નહીં થાય. 
ગુવાહાટીમાં સિટિઝનશિપ ડિબેટ અૉવર એનઆરસી ઍન્ડ સીએએ-આસામ ઍન્ડ પોલિટિક્સ અૉફ હિસ્ટરી પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં ડૉ. ભાગવતે કહ્યું હતું કે દેશની સ્વતંત્રતા બાદ પ્રથમ વડા પ્રધાન (જવાહરલાલ નેહરુ)એ કહ્યું હતું કે દેશના લઘુમતી સમાજની કાળજી લેવાશે અને એ કામ અત્યાર સુધી થઇ જ રહ્યું છે. આપણે પણ આ કાર્ય ચાલુ રાખીશું. સીએએ-એનઆરસીથી દેશના મુસ્લિમ સમુદાયની એક પણ વ્યક્તિને કોઇ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. સર સંઘચાલકે  કહ્યું હતું કે સીએએથી તો પડોસી દેશોના પીડિત લઘુમતી સમુદાયને પણ સંરક્ષણ અને આશરો મળશે. કોઇ પણ દેશને પોતાના નાગરિકો કોણ છે એ જાણવાનો અધિકાર છે અને એ કામ નઆરસીથી થશે.

Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer