પહેલાં ફી ભરો, પછી અૉનલાઇન ક્લાસમાં પ્રવેશ મેળવો હાઈ કોર્ટ

પહેલાં ફી ભરો, પછી અૉનલાઇન ક્લાસમાં પ્રવેશ મેળવો હાઈ કોર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ફી ભર્યા વિના ઇ-ક્લાસમાં પોતાનાં સંતાનોને પ્રવેશ અપાવવા ઇચ્છતા વાલીઓને હાઈ કોર્ટે ઝટકો આપ્યો છે.
દાદરની બે શાળાઓના 150 જેટલા વિદ્યાર્થીઓને અૉનલાઇન ક્લાસમાં પ્રવેશ અપાતો નહોતો કારણ કે તેમણે ફી ભરી નહોતી. હવે બૉમ્બે હાઈ કોર્ટે આ વિદ્યાર્થીઓના વાલીઓને પહેલાં ફી ભરવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ જ તેઓ પ્રવેશ માટે અરજી કરી શકશે. ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીની આઈઈએસ એશ લેન પ્રાયમરી સ્કૂલ અને આઈઈએસ ઇંગ્લિશ સ્કૂલના કિંડરગાર્ડનથી 9મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના 28 વાલીઓની અરજીની સુનાવણી કરતા જસ્ટિસ રમેશ ધાનુકા અને રિયાઝ ચાગલાની બૅન્ચે જણાવ્યું હતું કે, ``અૉનલાઇન ક્લાસમાં પ્રવેશ માટે કંઈક ચૂકવવાનું શરૂ કરો''
અરજદારોએ તેમની અરજીમાં એવો અનુરોધ કર્યો હતો કે વર્ષ 2020-21ની ફીને બાજુ પર મૂકીને તત્કાળ અૉનલાઇન ક્લાસમાં પ્રવેશ આપવો જોઈએ અને ફીમાં પણ 50 ટકાનો ઘટાડો કરવો જોઈએ. તેમના વકીલ અરવિંદ તિવારીએ કોવિડ મહામારીમાં પરિવારજનો ગુમાવતાં કેટલાક વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ફીમાં છૂટછાટ આપવા અને તેને હપ્તામાં ચૂકવવાની દલીલ કરી હતી.
શાળાઓના ઍડ્વોકેટ અરવિંદ કોઠારીએ એવી દલીલ કરી હતી કે, વાલીઓએ ગયા આખા શૈક્ષણિક વર્ષ અને આ વર્ષની પણ ફી ભરી નથી.
કોર્ટે આ દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે વાલીઓએ પહેલાં ફી ભરવી જોઈએ અને ત્યાર બાદ અૉનલાઇન ક્લાસમાં પ્રવેશ મેળવવાનો વિચાર કરવો જોઈએ.
Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust