કૉંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલે હાથે લડશે પટોલે

કૉંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલે હાથે લડશે પટોલે
રાહુલ ગાંધીએ પક્ષ માટે `માસ્ટર પ્લાન' ઘડયો છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ પક્ષનું અગાઉ જેવું વર્ચસ્ પાછું મેળવવા માટે અને સંગઠનને મજબૂત બનાવવા માટે ટોચના નેતા રાહુલ ગાંધીએ `માસ્ટર પ્લાન' તૈયાર કર્યો છે. કૉંગ્રેસ પક્ષ મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમે સ્વબળે લડશું એમ કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પાટોલેએ જણાવ્યું છે.
પાટોલેએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને `એક નંબરનો પક્ષ' બનાવવાનું સપનુ મેં જોયું છે તેના માટે રાહુલ ગાંધીએ ઘડેલા `માસ્ટર પ્લાન'ને સાકાર કરવા અમે બધા સાથે મળીને કામ કરશું.
લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણી સ્વબળે લડશો કે પછી શિવસેના અને રાષ્ટ્રવાદીની સાથે? એવા પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં પાટોલેએ સાવચેતીપૂર્વક ઉત્તર આપતાં જણાવ્યું હતું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને આડે હજી ત્રણ વર્ષ જેટલો સમય શેષ છે. તેથી તે અંગે કશું કહી શકાય નહીં. તે અંગેનો નિર્ણય હાઈ કમાંડ દ્વારા લેવામાં આવશે એમ પાટોલે ઉમેર્યું હતું.
મોવડીમંડળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે હાથે લડવાની પાટોલેની યોજનાને લીલી ઝંડી દેખાડી દીધી છે. તેથી આગામી સમયમાં `મહાવિકાસ આઘાડી'ના રાજકારણમાં વધુ ગરમાટો આવે એવી શક્યતા છે.

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust