રેરાના વડાનો નરીમાન પૉઇન્ટ સ્થિત ફ્લૅટને આવકવેરા ખાતાએ હંગામી રીતે એટેચ કર્યો

રેરાના વડાનો નરીમાન પૉઇન્ટ સ્થિત ફ્લૅટને આવકવેરા ખાતાએ હંગામી રીતે એટેચ કર્યો
અજૉય મહેતા મુખ્ય પ્રધાનના પ્રિન્સિપલ એડવાઈઝર હતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 21 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)ના અધ્યક્ષ અજોય મહેતાનો મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટ આવકવેરાના રડાર પર છે. સદર એપાર્ટમેન્ટ અગાઉના માલિકે શેલ કંપનીથી મળેલી આવક છુપાવવા માટે આ બેનામી સંપત્તિ ખરીદી હતી. મહેતા એ મુખ્ય પ્રધાનના પ્રિન્સિપલ એડવાઇઝર હતા. ત્યાર બાદ આ વરસે ફેબ્રુઆરીમાં તેમની નિમણૂક મહારેરામાં થઈ હતી. તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી. 
અૉક્ટોબર 2020માં તેમણે નરીમાન પૉઇન્ટ ખાતે આવેલી સમતા કો-અૉપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પુણે ખાતેની અનામિત્ર પ્રૉપર્ટીઝ પ્રા. લિ. પાસેથી 5.33 કરોડ રૂપિયામાં એપાર્ટમેન્ટ વેચાતો લીધો હતો. 7 જુલાઈના આવકવેરા વિભાગે અનામિત્ર પ્રૉપર્ટીઝને શોકૉઝ નોટિસ મોકલાવી, મે 2004માં ચાર કરોડ રૂપિયાના આ સોદાને બેનામી હોવાનું જણાવ્યુ હતું. કારણ કે આ કંપનીના બે રજિસ્ટર્ડ શૅરધારક મુંબઈના પશ્ચિમના પરાંની એક ચાલમાં રહેતા હતા. તેમને આ એપાર્ટમેન્ટની માલિકી અંગે કોઈ જાણ નહોતી અને આવી મિલકત એ ખરીદી શકે એમ નહોતા. 
જોકે, અજોય મહેતાનું કહેવું છે કે તેમણે પ્રૉપર્ટી કાયદેસર રીતે ખરીદી છે. 
આવકવેરા ખાતાનું કહેવું છે કે બંને શૅરધારકોને આ વ્યવહારની જાણકારી નથી. કંપનીની આર્થિક પરિસ્થિતિ જોતાં જાણવા મળ્યું હતું કે તેમનો કોઈ ધંધો નથી, માત્ર બનાવટી કંપનીના માધ્યમ દ્વારા આ બેનામી માલમત્તા તેમણે ખરીદી હતી. એટલે અનામિત્ર પ્રૉપર્ટીઝ પ્રા. લિ.ને અમે ગેરકાયદે હોવાનું જણાવીએ છીએ. 
આવકવેરા ખાતાએ મહેતાના ફ્લૅટને કામ ચલાઉ રીતે એટેચ કર્યો છે.

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust