પેગાસસ જાસૂસીના મામલે કેન્દ્રના અધિકારીઓની પૂછપરછની શક્યતા

પેગાસસ જાસૂસીના મામલે કેન્દ્રના અધિકારીઓની પૂછપરછની શક્યતા
28 જુલાઈએ શશી થરૂરની આગેવાની હેઠળની આઈટી સંસદીય સમિતિની બેઠક
નવી દિલ્હી, તા. 21 : કૉંગ્રેસના નેતા શશી થરૂરની આગેવાની હેઠળની ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) સંસદીય સમિતિ આગામી અઠવાડિયે પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રના ગૃહ મંત્રાલય સહિતના કેટલાક અધિકારીઓની પૂછપરછ કરશે, એમ સૂત્રોએ આજે જણાવ્યું હતું. ઇઝરાયલની કંપની એનએસઓનો પેગાસસ સ્પાયવૅર કોઇ પણ દેશની સરકારને જ વેચવામાં આવે છે અને આ સ્પાયવૅરની મદદથી ભારતના બે કેન્દ્રીય પ્રધાનો, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કૉંગ્રેસના નેતા અભિષેક બેનરજી અને દેશના 40 જેટલા પત્રકારોની જાસૂસી તેમના મોબાઇલ ફોન મારફતે કરાયાના આક્ષેપો થઇ રહ્યા છે. આ મામલો હાલ સંસદમાં પણ ગાજી રહ્યો છે. ફ્રાન્સના પ્રમુખ અને પાકિસ્તાનના વડા પ્રધાન સહિતના અન્ય કેટલાય વિદેશી નેતાઓની જાસૂસી પણ પેગાસસ સ્પાયવૅરથી કરાયાના અહેવાલો વૈશ્વિક અખબારોમાં પ્રકાશિત થયા બાદ ભારત સહિત અન્ય કેટલાય દેશોમાં પણ આ મામલે ચર્ચા થઇ રહી છે.  
જો કે ભારત સરકાર અને આ સ્પાયવૅરની ઉત્પાદક કંપની એનએસઓએ આવી કોઇ જાસૂસીના અહેવાલોને નકારી કાઢ્યા છે. થરૂરની આગેવાની હેઠળની 32 સભ્યોની આઇટી સંસદીય સમિતિની 28 જુલાઇએ બેઠક છે અને એમાં એમાં સિટિઝન સિક્યોરિટી અને પ્રાઇવૅસીના મુદ્દે ચર્ચા થશે, એવું જાહેરનામું લોકસભા સચિવાલય તરફથી બહાર પાડવામાં આવ્યું છે. સમિતિનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પેગાસસ જાસૂસીનો મામલો ઊઠશે અને સરકારી અધિકારીઓ પાસેથી તેની વિગતો માગવામાં આવશે.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer