સુપ્રીમ કોર્ટની દેખરેખમાં જાસૂસી કાંડની તપાસ કરાવી શ્વેતપત્ર બહાર પાડો વિપક્ષ

સુપ્રીમ કોર્ટની દેખરેખમાં જાસૂસી કાંડની તપાસ કરાવી શ્વેતપત્ર બહાર પાડો વિપક્ષ
નવી દિલ્હી, તા.21 : પેગાસસ જાસૂસીકાંડ મામલે વિપક્ષોએ ફરી કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પેગાસસ જાસૂસીકાંડની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરાવવાની માગ કરી કહ્યુ કે સરકાર શ્વેતપત્ર જાહેર કરી સ્પષ્ટ કરે કે તેણે ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં ? 
ગૃહ પ્રધાન અમિત શાહની ક્રોનોલોજી સમજો એવી ટિપ્પણી પર પુર્વ કાયદા પ્રધાને કહ્યુ કે અમે ક્રોનોલોજી સમજી રહ્યા છીએ. તમે એ ક્રોનોલોજી સમજો જે વર્ષ ર017થી ર019 વચ્ચે થયું. પેગાસસ મામલો ખૂબ જ ગંભીર છે. તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. સરકારી એજન્સીઓ પર અમને ભરોસો નથી. સોફટવેર બનાવતી કંપની આ જાસૂસી સોફટવેર માત્ર સરકારોને જ વેંચે છે. તેનું ખાનગીધોરણે વેચાણ કરાતું નથી. ગૃહમંત્રી સંસદમાં જરૂરી સ્પષ્ટતા કરે. 
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે સરકાર પેગાસસ પર ખર્ચ કરી રહી છે, જનતા પર નહીં. અમારો પ્રયાસ દેશને બચાવવાનો છે. આ રીતે જાસૂસી કરાવવામાં આવે તે યોગ્ય નથી. સરકાર જે પ્રકારના જૂઠાણા ચલાવે છે શરમ આવવી જોઈએ. કોંગ્રેસના નેતા કમલનાથે માગ કરી કે પેગાસસ જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપે. આ કાંડથી અમારા અધિકારો પર મોટો હુમલો કરાયો છે.
Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust