કોલકાતા, તા. 21 : બંગાળમાં ફરીથી સત્તા મળ્યા બાદ મમતા બેનરજી હવે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. આજે બંગાળમાં શહીદદિન મનાવાયો એના અૉનલાઇન કાર્યક્રમના ભાષણ દરમિયાન દીદીએ અન્ય રાજ્યોની વિપક્ષી પાર્ટીઓને પણ સંદેશો આપ્યો કે ભાજપને સત્તાથી બહાર કરવા એક થયું પડશે અને આ ભાષણમાં દીદીએ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવી કેન્દ્રના મોદી સરકારની આકરી ટીકા કરી હતી. દીદીએ હવે રાષ્ટ્રીય સ્તરે ખેલા હોબેનો સંકેત આપ્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવ્યા બાદ દેશભરના વિપક્ષોએ બેઠક કરીને લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ સામે નવો મોરચો ખોલવાનો સમય આવી ગયો છે, એના માટે હું પ્રયાસ કરી રહી છું.
દીદીએ કહ્યું કે ભાજપ દેશમાં તાનાશાહી કરી રહી છે. બંધારણીય સંસ્થાઓને નષ્ટ કરીને લોકશાહી પર પ્રહાર થઈ રહ્યા છે. મોદી સરકારનું પ્લાસ્ટર કરવું જરૂરી છે. અને કામ આપણે શરૂ કરી શું.
કેન્દ્ર હવે પેગાસસની મદદથી સ્પાયગીરી (જાસૂસી) કરી રહી છે આ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. સુપ્રીમ કોર્ટે આ વાતનું સંજ્ઞાન લેવું જોઇએ.
કોરોનાની બીજી લહેરમાં ગંગામાં મૃતદેહો તરતા આપણે જોયા છે પરંતુ સરકાર એ માનવા તૈયાર જ નથી હવે તો અૉક્સિજનની અછતથી કોઇનું મૃત્યુ થયાંનું પણ સરકાર સ્વિકારવા તૈયાર નથી.
દીદીનું આ ભાષણ બંગાળની બહાર દિલ્હી યુ.પી. અને ગુજરાતમાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના કાર્યાલયોમાં દર્શાવાયું હતું. જેમાં કેટલાંક અન્ય પાર્ટીના નેતાઓ પણ જોવા મળ્યા હતા.
દીદીએ કહ્યું હતું કે, બંગાળમાં ખેલા હોબે બાદ હવે રાષ્ટ્રીય સ્તરે ખેલા હોબે કરાશે અને એની શરૂઆત ગુજરાતથી થશે.
Published on: Thu, 22 Jul 2021
હવે ભાજપ સામે દેશભરમાં ખેલા હોબે મમતા દીદી
