હવે અૉક્સિજનના અભાવે મૃત્યુનો વિવાદ

હવે અૉક્સિજનના અભાવે મૃત્યુનો વિવાદ
પ્રાણવાયુની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી : રાજ્યોનો રદિયો
વિપક્ષોના આક્ષેપ, ભાજપનો જવાબ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : કોરોનાની બીજી લહેરમાં જીવનરક્ષક ઓક્સિજનની અછતથી કોઇ મોત થયું નથી તેવા મોદી સરકારના દાવા બાદ આ મુદ્દે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકારના દાવાથી મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કરતાં કહ્યું હતું કે, કોઇપણ રાજ્ય તરફથી ઓક્સિજનની અછતના કારણે મોતના આંકડા અપાયા નથી, તો સરકાર શું કરે ?
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બુધવારે એવો આરોપ મૂક્યો હતો કે મહામારીના ગાળામાં જ મોદી સરકારે ઓક્સિજનની નિકાસ વધારી નાખી હતી. એટલું જ નહીં, પ્રાણ વાયુ પહોંચાડવા ટેન્કરોની વ્યવસ્થા સરકારે નહોતી કરી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. બીજી લહેર ઘાતક બની હતી તેવા કપરા સમયમાં પણ ઓક્સિજનની નિકાસ 700 ટકા વધારાઇ તેવા પ્રહાર પ્રિયંકાએ કર્યા હતા.
શિવસેના નેતા સંજય રાઉતે ખતરનાક પ્રહારો કરતાં કહ્યું હતું કે, ખોટું બોલવા બદલ કેન્દ્રની સરકાર સામે કેસ થવો જોઇએ. ઓક્સિજનની અછતના કારણે જીવ ખોનાર દર્દીઓના પરિવારોને સરકારના દાવાથી કેટલો બધો આઘાત લાગ્યો હશે તેવા પ્રહાર રાઉતે કર્યા હતા.
આમઆદમી પાર્ટીએ પણ `મોદીરાજ' સામે નિશાન સાધ્યું છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, દિલ્હી તેમજ દેશના અનેક ભાગોમાં ઓક્સિજનના અભાવે દર્દીઓએ જીવ ખોયા છે. આવા મૃતકોના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર આપવા માટે અમારી સરકારે એક ખાસ સમિતિ રચી હતી, પરંતુ ઉપરાજ્યપાલે તે સમિતિ ભંગ કરી નાખી તેવો આક્ષેપ જૈને કર્યો હતો. રાજદ નેતા તેજસ્વી યાદવે ટિવટ કરીને ઘાતક પ્રહાર કરતાં કટાક્ષ કર્યો હતો કે `ઠીક બા, મતલબ બધાએ આત્મહત્યા કરી હતી.' દરમ્યાન, ભાજપ નેતા સંબિતપાત્રાએ ઓક્સિજનના અભાવે મોતના મામલે રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત સહિત નેતાઓ પર આરોપ મૂકતાં કહ્યું હતું કે, રસી હોય કે મહામારી, ખોટું અને ભ્રમ ફેલાવવા આ નેતાઓની આદત છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન અૉક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ નોંધાયા નથી એવું  કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યા બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષોએ કેન્દ્રના આ દાવા સામે વાંધો નોંધાવ્યો હતો. ભાજપે આ સંદર્ભે વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલવામાં આવેલી વિગતોની ફક્ત નોંધ રાખે છે. આવી ઘટનાઓ વિશે જણાવવાની ફરજ રાજ્યોની છે. 
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે સંસદમાં રજૂ કરવામાં આવેલો ડેટા કેન્દ્ર સરકારે તૈયાર ર્ક્યો નથી, પરંતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મોકલાવેલો છે. વિરોધ પક્ષો એમ કહી રહ્યા હોય કે કેન્દ્ર સરકારે સાચી વિગતો રજૂ કરી નથી તો તેમણે તેમની પોતાની રાજ્ય સરકારોને પણ આ વિશે પૂછવું જોઈએ. 
અૉક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ નોંધાયાં નથી એવું મંગળવારે સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ભારતી પવારે રાજ્યસભામાં એક લિખિત જવાબમાં જણાવ્યાના બાદ કૉંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે ભારતી પવાર પર ખોટી માહિતી આપીને સદનને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ ર્ક્યો હતો અને તેમની સામે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે એમ જણાવ્યું હતું.
કોરોનાની બીજી લહેર વખતે દેશમાં ઓક્સિજનની કમીને લીધે મોટા પાયે મૃત્યુ થયા હતા પણ કેન્દ્ર સરકારે સંસદમાં એવો દાવો કરી નાખ્યો કે ઓક્સિજનની કમીથી કોઈ મૃત્યુ નોંધાયું નથી અને હવે મધ્યપ્રદેશ,બિહાર અને તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્ર  સરકારે પણ આવો જ દાવો કર્યો છે કે તેમના રાજ્યમાં ઓક્સિજનની તંગીને લીધે કોઈનો જીવ ગયો નથી. 
બિહારના સ્વાસ્થ્ય પ્રધાન મંગલ પાંડેએ દાવો કર્યો હતો કે બીજી લહેર દરમ્યાન દબાણ હોવા છતાં અમે સારી વ્યવસ્થા ગોઠવી હતી. અમને કેન્દ્રનો સારો સહયોગ મળ્યો હતો. 
મધ્યપ્રદેશના મેડિકલ શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે દાવો કર્યો હતો કે તેમના રાજ્યમાં ઓક્સિજનની કમીને લીધે કોઈનું મોત થયું નથી. એ જ રીતે તામિલનાડુના સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની કમીને લીધે કોઈ મૃત્યુ થયું નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો.
Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust