મીમીનાં પરમસુંદરી અને રિહાઈ દે ગીત લોકપ્રિય

મીમીનાં પરમસુંદરી અને રિહાઈ દે ગીત લોકપ્રિય
સરોગેટ માતાની વાર્તા પર આધારિત ફિલ્મ મીમીમાં ક્રીતિ સેનનના લટકાઝટકા દર્શાવતું ગીત પરમસુંદરી ખાસ્સું લોકપ્રિય થયા બાદ હવે બીજું ગીત રિહાઈ દે.. પણ લૉન્ચ થયું છે. એ. આર. રહેમાનની ધૂનો સાથે સંગીતબદ્ધ થયેલાં આ બંને ગીત લોકોને ગમી રહ્યા છે. રિહાઈ દે ગીત તો રહેમાને જ ગાયું છે અને તેમનો ઘેરો કરુણ અવાજ હૃદયને સ્પર્શે છે. આ ગીત મીમીના અંગત જીવનમાં આવેલી મુશ્કેલીને દર્શાવે છે. તેની આસપાસના લોકો ઉજવણીના મૂડમાં હોય છે ત્યારે દુ:ખી મીમી પોતાને આમાંથી મુક્ત કરાવશે એવી વેદના વ્યક્ત કરે છે. અમિતાભ ભટ્ટાચાર્ય લિખિત આ ગીત સંગીતપ્રેમીઓને ખાસ ગમશે. 
ટોચના કૉમેડિયન્સનું મિની ટીવી પર રમૂજી કન્ટેન્ટ 
ઍમેઝોનની વીડિયો મનોરંજન સર્વિસ મિની ટીવી પર રમૂજી કન્ટેન્ટ લાવવા માટે ટોચના કૉમેડિયન્સ આશિષ ચંચલ, પ્રાજકતા કોલી, અમિતા ભદાના, ડોલી સિંહ, સલોની ગૌર અને બી યુનિક તૈયાર થયા છે. તેઓ કૉમેડી વીડિયો મૂકીને મનોરંજન કરશે. આ ઉપરાંત તેઓ રોજિંદા જીવનની સ્થિતિના સ્કેચ બનાવીને રજૂ કરશે. ડોલી સિંહ બ્રેકઅપ પૂર્ણ કરવાના સાત તબક્કાઓ દર્શાવશે. પ્રાજકતા કોલી મધ્યમ વર્ગની મુશ્કેલીઓ, અમિત સેલ્સમૅનની ભૂમિકા અદા કરશે જે ઈર્ષાળુ બૉસ અને ભૂતપૂર્વ પ્રેમિકાની વચ્ચે અટવાઈ જાય છે. બી યુનિક રોમાંચક બ્રેકઅપ પૂર્ણ કરવાની વાર્તા કહેશે. આમ, આ હાસ્ય કલાકારોની ટીમ દરેકને સ્પર્શે એવું હાસ્ય પીરસશે. 
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer