વૈશ્વિક સોનું ઘટીને $ 1800ની અંદર

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : વૈશ્વિક સોનાનો ભાવ એક સપ્તાહની તળિયાની સપાટીએ પહોંચતા 1800 ડોલરની અંદર ઉતરી ગયો હતો. ડોલરમાં મજબૂતીનો દોર જળવાઇ રહેતા સોનું 1796 ડોલર પ્રતિ ઔંસના સ્તરે રનીંગ હતુ. ચાંદી પણ તૂટી જતા 25 ડોલરના સ્તરે હતી. અલબત્ત કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સલામત રોકાણ માટે સોનું હજુ ફેવરીટ જણાય રહ્યું છે. છતાં વધતો ડોલર સોનાને ઉંચકાવા દેતો નથી. 
વૈશ્વિક શેરબજારોમાં આજે જોરદાર તેજી આવી હતી. એ કારણે પણ સોનામાં વેચવાલી નીકળી હતી. વધતા જતા નવા વેરિયન્ટના કેસ અને ફુગાવાના દબાણને રોકાણકારોએ નજરઅંદાજ કર્યા હતા. ડેઇલી એફએક્સના સ્ટ્રેટેજિસ્ટ કહે છે, સોનાના ભાવ દબાણ હેઠળ છે કારણકે ડોલર ત્રણ મહિનાની ઉંચી સપાટીએ છે. બીજી તરફ વોલસ્ટ્રીટમાં પણ તેજી થવાથી સોનામાં વેચવાલી દેખાય રહી છે.  ગુરુવારે યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણાનીતિ અંગેની બેઠક હતી. એમાં કોઇ ફેરફાર કરવામાં આવે એવી શક્યતા દેખાતી ન હતી. છતાં બજારને ઇંતેજારી વધી હતી. નાણાનીતિ સ્થિર રહે તો યુરો સામે ડોલર ઉછળે તેવી શક્યતા છે. જે સોના માટે નકારાત્મક સાબિત થશે. સોનાને યુરોપની બેઠક પણ હજુ ઘટાડે તેમ જણાય છે. 
અમેરિકામાં 10 વર્ષના બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડમાં પાંચ મહિનાના તળિયાથી સુધારો આરંભાયો છે. 20 વર્ષના બોન્ડની હરાજીમાં નબળો પ્રતિસાદ મળ્યા પછી 10 વર્ષના બોન્ડમાં તેજી થઇ છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 320ના ઘટાડામાં રુ. 49180 અને ચાંદીનો ભાવ રુ. 68000 સ્થિર હતો. મુંબઇમાં સોનું રુ. 552ના ઘટાડામાં રુ. 47670 અને ચાંદી રુ. 214ના ઘટાડે રુ. 66766 રહી હતી.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer