બજાજ અૉટોનો જૂન ત્રિમાસિક ગાળામાં નફો વધીને બમણો થયો

બજાજ અૉટોનો જૂન ત્રિમાસિક ગાળામાં નફો વધીને બમણો થયો
ઈ વેહિકલનાં ઉત્પાદન માટે સ્વતંત્ર પેટા-કંપની શરૂ કરવાનો નિર્ણય
મુંબઈ, તા. 22 : નિકાસમાં નોંધપાત્ર વધારો થવાથી બજાજ અૉટોનો જૂન'21 ત્રિમાસિક સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 101.2 ટકા વધીને $1061.18 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રુ. 528 કરોડ હતો. 
જોકે, ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 20.3 ટકા ઘટયો છે. માર્ચ'21 ત્રિમાસિકમાં કંપનીને રુ. 1332 કરોડનો નફો થયો હતો. જૂન ત્રિમાસિકમાં કોવિડ-19ના બીજાં મોજાંને લીધે મોટા ભાગે લૉકડાઉન જેવાં નિયંત્રણોને પગલે કામકાજ મર્યાદિત રહેતા નફો ઘટયો છે. 
કંપનીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2022નો પહેલો ત્રિમાસિક ગાળો અમારા માટે પડકારરૂપ હતો. કોરોનાના બીજાં મોજાંને લીધે છેલ્લા ત્રણ ત્રિમાસિકમાં જે રિકવરી થતી હતી તેમાં નિયંત્રણ આવ્યું હતું. દેશમાં મોટા ભાગે લૉકડાઉન હોવાથી સ્થાનિક માગમાં ઘટાડો નોંધાયો હતો. 
સ્થાનિક બજારમાં કમર્શિયલ વાહનોનું વેચાણ 14,000ને પાર થયું હોવા છતાં કોવિડ પહેલાંના સ્તરે વેચાણના આંકડા પહોંચ્યા નથી. જોકે, સ્થાનિક બજારમાં બજાજ અૉટોનો હિસ્સો માર્ચ'21 ત્રિમાસિકના 56.3 ટકાથી વધીને 65.3 ટકા થયો છે. જૂન ત્રિમાસિકમાં કંપનીએ ભારત અને વિદેશમાં 10 લાખથી પણ વધુ વાહનોનું વેચાણ કર્યું છે. સ્થાનિક બજારમાં મોટરસાઈકલ્સનું વેચાણ 3.42 લાખ યુનિટ્સ હતું, પરિણામે આ સેગ્મેન્ટમાં બજાર હિસ્સો માર્ચ'21 ત્રિમાસિકના 17.3 ટકાથી વધીને જૂન'21 ત્રિમાસિકમાં 19.7 ટકા થયો છે. 
એકત્રિત ધોરણે નાણાકીય પરિણામો જોતાં કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ગાળાના રુ. 395.51 કરોડથી વધીને રુ. 1170.17 કરોડ થયો છે, પરંતુ માર્ચ'21 ત્રિમાસિકના રુ. 1551.28 કરોડની સરખામણીએ ઓછો છે. 
કંપનીની બોર્ડ મિટિંગમાં ટુ, થ્રી અને ફૉર વ્હિલર્સ સેગ્મેન્ટમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનો બનાવવા માટે સ્વતંત્ર પેટા-કંપની સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી ઈ-વાહન સેગ્મેન્ટમાં પણ કંપનીની વૃદ્ધિ થાય. 
જૂન ત્રિમાસિકમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 139.86 ટકા વધીને રુ. 7386.04 કરોડ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રુ. 3079.2 કરોડ હતી. જોકે, ત્રિમાસિક ધોરણે રુ. 8696.1 કરોડની સરખામણીએ આવક 18 ટકા ઘટી છે. 
વ્યાજ, વેરા અને ઘસારા પૂર્વે કંપનીનો નફો (ઈબિટડા) રુ. 408.5 કરોડથી વધીને રુ. 1120 કરોડ થયો છે. ઈબિટડા માર્જિન 13.3 ટકાથી વધીને 15.2 ટકા થયું છે. જોકે, કૉમોડિટી (મેટલ્સ, રબર, પ્લાસ્ટિક)ના ભાવમાં વધારો થવાથી ત્રિમાસિક ધોરણે માર્જિન 17.7 ટકાના સ્તરથી ઘટયું છે. 
જૂન ત્રિમાસિકના અંત સુધીમાં કંપની પાસે રોકડ અને રોકડ સમકક્ષ પેટે પુરાંત રુ. 19,097 કરોડ હતી, જે માર્ચ ત્રિમાસિકમાં રુ. 17,689 કરોડ હતી.
Published on: Fri, 23 Jul 2021

© 2022 Saurashtra Trust