પેગાસસ જાસૂસી પ્રકરણે તપાસની એડિટર્સ ગિલ્ડની માગણી

નવી દિલ્હી, તા. 22 : એડિટર્સ ગિલ્ડ અૉફ ઈન્ડિયા (ઈજીઆઈ)એ પેગાસસ સ્પાયવૅરનો ઉપયોગ કરીને પત્રકારો અને નેતાઓની જાસૂસી સંદર્ભે મીડિયામાં આવેલા અહેવાલો અંગે આઘાત વ્યક્ત કરીને કથિત જાસૂસી પ્રકરણે સુપ્રીમ કોર્ટ અંતર્ગત એક સ્વતંત્ર તપાસની  માગણી કરી છે. 
એડિટર્સ ગિલ્ડે કહ્યું હતું કે 17 પ્રકાશનોના એક કન્સોર્ટિયમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલોમાં વિવિધ સરકારો દ્વારા જાસૂસી કરવામાં આવતી હોવાનો સંકત આપ્યો છે. ઈજીઆઈએ જણાવ્યું હતું કે આ સ્પાયવૅર વિકસિત કરનારી એનએસઓ કંપનીનો દાવો છે કે તેઓ આ સૉફ્ટવૅર ફક્ત સરકારી ગ્રાહકોને જ વેચે છે. આથી પોતાના જ નાગરિકો પર જાસૂસી કરવામાં ભારત સરકારની એજન્સીઓ સામેલ હોવાની શંકા ઘેરાઈ રહી છે. ઈજીઆઈએ પત્રકારોની જાસૂસીની ટીકા કરતાં કહ્યું હતું કે એ અભિવ્યક્તિની આઝાદી અને અખબારી સ્વાતંત્ર્ય પર હુમલો છે. એડિટર્સ ગિલ્ડે આ જાસૂસી આરોપોની સુપ્રીમ કોર્ટની છત્રછાયા હેઠળ સ્વતંત્ર તપાસની માગણી કરી છે. આ તપાસ સમિતિમાં સ્વચ્છ છબી ધરાવતા પત્રકારો અને સમાજનાં વિવિધ ક્ષેત્રના લોકોનો સમાવેશ કરવાની વિનંતી કરી છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer