ધોરણ પાંચ અને આઠ માટે સ્કોલરશિપ ટેસ્ટ

મુંબઈ, તા. 22 : શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓની પ્રથમ અૉફલાઇન પરીક્ષાઓમાં ધોરણ પાંચ અને આઠ માટે 8 અૉગસ્ટના સ્કોલરશિપ ટેસ્ટ લેવામાં આવશે.
કોવિડ મહામારીની બીજી લહેરને કારણે આ વર્ષે બે વાર આ વૈકલ્પિક પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.
જોકે, ત્રીજી લહેરના ભયને ધ્યાનમાં લેતાં 90 મિનિટના પ્રત્યેક બે પેપર માટે પોતાનાં સંતાનો પરીક્ષા આપે તે માટે વાલીઓ તૈયાર નથી. `જોકે, બન્ને પેપર વચ્ચે સમયનો ગાળો હશે, પરંતુ બાળકોએ પરીક્ષા માટે બે-ત્રણ કલાક પરીક્ષા વર્ગમાં રહેવું પડશે. આવો ખતરો વહોરી લેવાને બદલે હું આવી પરીક્ષા માટે મારાં સંતાનને નહીં મોકલવાનું પસંદ કરીશ' એક પાંચમા ધોરણના એક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું.
અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, પરીક્ષા વર્ગ માટેની તૈયારી યોજના સરકાર જાહેર કરશે ત્યારે બાદ જ પરીક્ષા આપવા અંગે અમે નિર્ણય લઈશું. 
સૌપ્રથમ એપ્રિલમાં આ પરીક્ષા લેવાની હતી ત્યાર બાદ સમય બદલીને 23 મેનો કરવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષકોએ આ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ તે રદ કરવામાં આવી હતી.
મંગળવારે રાજ્ય સરકારે નવો હુકમ બહાર પાડયો હતો. 47,662 શાળાઓના કુલ 6.3 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ માટે નોંધણી કરાવી છે. આમાંના 3.9 લાખ વિદ્યાર્થીઓ ધોરણ પાંચના જ્યારે 2.4 લાખ વિદ્યાર્થીઓ ધોરણ આઠના છે.
પ્રત્યેક જિલ્લામાં પાંચ અને આઠ ધોરણના સો સો વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર સ્કોલરશિપ આપે છે. વર્ગ પાંચના વિદ્યાર્થીને સાત ધોરણ સુધી વાર્ષિક રૂપિયા 1000ની તો આઠમા ધોરણના વિદ્યાર્થીને દસમા ધોરણ સુધી વાર્ષિક 1000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer