મુંબઈમાં રેડ ઍલર્ટ તોફાની પવન સાથે અતિભારે વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 22 : હવામાન ખાતાએ મુંબઇ માટે રેડઍલર્ટ જાહેર કર્યું છે તે મુજબ ભારેથી અતિભારે વરસાદ પડશે. આવતી કાલે પવન 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શકયતા કોલાબા વેધશાળએ વ્યકત કરી છે.  આવતી કાલે મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 96.6 મિ.મી. અને સાંતાક્રુઝમાં 57.7  મિ.મી. વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 10.6  મિ.મી. અને સાંતાક્રુઝમાં 17.6 મિ.મી. વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 1462.4 મિ.મી. અને સાંતાક્રુઝમાં 2001.4 મિ.મી. નોંધાયો હતો.
 મુંબઈમાં આજે વરસાદનું જોર મધ્યમ રહ્યું હતું. આમ છતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. મલાડ, જોગેશ્વરી, ભાંડુપ, ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે, બાંદરા અને પાર્લામાં પાણી ભરાયાં હતાં. આજે સવારે ધસારાના સમયે કિંગ્સ સર્કલ પાસે ગાંધી માર્કેટ ખાતે ભારે ટ્રાફિક જામ થયો હતો. વાહનોની ભીડથી બચવા માટે દક્ષિણ મુંબઈ તરફ જતી બસોને ભાઉદાજી રોડ મારફતે વાળવામાં આવી હતી.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer