પરમબીર સિંહ અને પાંચ અન્ય પોલીસો વિરુદ્ધ ખંડણી મામલે એફઆઈઆર

પરમબીર સિંહ અને પાંચ અન્ય પોલીસો વિરુદ્ધ ખંડણી મામલે એફઆઈઆર
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મુંબઈ પોલીસે એક બીલ્ડર સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા માટે કથિત રીતે 15 કરોડ રૂપિયાની માગણી કરવાના મામલે આઈપીએસ અધિકારી પરમબીર સિંહ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ અને અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હોવાની જાણકારી એક અધિકારીએ ગુરુવારે આપી હતી. 
તેમણે કહ્યું કે બીલ્ડરની ફરિયાદના આધારે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 
અધિકારીએ કહ્યું કે કેસના અન્ય પાંચ આરોપી પોલીસ અધિકારીઓ છે, ડીસીપી (ક્રાઇમ બ્રાન્ચ) અકબર પઠાન, ઇન્સ્પેક્ટર શ્રીકાંત શિંદે, આશા કોરકે, નંદકુમાર ગોપાલ અને સંજય પાટીલ. 
તેમણે જણાવ્યું કે આ મામલે બીલ્ડરના બે ભાગીદારો સુનીલ જૈન અને સંજય પુનમિયાની ધરપકડ કરાઈ છે. ફરિયાદ મુજબ જૈન અને પુનમિયાએ પોલીસ અધિકારીઓ સાથે મળી કાવતરું રચ્યું હતું અને બીલ્ડર વિરુદ્ધના અમુક કેસ પાછા ખેંચવા માટે 15 કરોડ રૂપિયાની માગણી કરી હતી. 
અધિકારીએ જણાવ્યું કે બીલ્ડરે એની ફરિયાદમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સહિત અન્યનાં નામો આપ્યાં હતાં. પોલીસે તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 
પરમબીર સિંહ વિરુદ્ધ અકોલાના પોલીસ ઇન્સ્પેક્ટર બી. આર. ઘડકેની ફરિયાદના આધારે એસસી/એસટી ઍક્ટ હેઠળ પણ આ વરસે એપ્રિલ મહિનામાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer