લખનઊથી ઈન્દોર સુધી મીડિયા સંસ્થાનો ઉપર આઈટીના દરોડા

લખનઊથી ઈન્દોર સુધી મીડિયા સંસ્થાનો ઉપર આઈટીના દરોડા
પત્રકારોના ઘરે પહોંચી આવકવેરાની ટીમ
લખનઉ, તા. 22 : મીડિયા ગૃપ ભારત સમાચાર અને દિવ્ય ભાસ્કર ઉપર આવકવેરા વિભાગ દ્વારા ગુરૂવારે સવારે તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા હતા. દૈનિક ભાસ્કર ઉપર ભોપાલ, જયપુર, અમદાવાદ અને અમુક અન્ય સ્થાને દરોડા પડયા છે. ઉત્તર પ્રદેશના પ્રાદેશિક ન્યૂઝ ચેનલ ભારત સમાચારની ઓફિસે આવકવેરા વિભાગની ટીમે ગુરુવારે સવારે દરોડો પાડયો હતો. આ ઉપરાંત ચેનલના એડિટર બૃજેશ મિશ્રાના આવાસે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. લખનઉ ઉપરાંત પ્રદેશના બસ્તી અને જોનપુર જિલ્લામાં પણ ચેનલના બોર્ડ સંબંધિત લોકોના સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. 
ચેનલની ઓફિસે થયેલા દરોડામાં 7-8 અધિકારી અને પોલીસના અધિકારીઓ સામેલ હતા. આ ઉપરાંત બૃજેશ મિશ્રાના ઘરે પણ તલાશી ચાલી રહી છે. લખનઉ ઉપરાંત બસ્તીના વિધાયક અજય સિંહના ઘરે ઈનકમ ટેક્સની ટીમ પહોંચી છે. જ્યારે જૌનપુરમાં ભાજપ વિધાયક ઓમપ્રકાશ જયસ્વાલના ઘરે પણ દરોડો પડયો હતો. મીડિયા ઓફિસોએ પડેલા દરોડાનો અવાજ સંસદમાં પણ ઉઠયો હતો અને વિપક્ષે હંગામો કર્યો હતો. આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, દૈનિક ભાસ્કર અને ભારત સમાચાર ઉપર આવકવેરા વિભાગના દરોડા મીડિયાને ડરાવવાનો પ્રયાસ છે. સંદેશ સ્પષ્ટ છે કે જે ભાજપ સરકાર વિરૂદ્ધ બોલશે તેને છોડવામાં નહીં આવે. આ ખૂબ જ ખતરનાક વિચાર છે. મીડિયાને સ્વતંત્ર રીતે કામ કરવા દેવું જોઈએ. 
દરોડાને લઈને વિપક્ષી દળો દ્વારા મૂકવામાં આવેલા આરોપો મુદ્દે સરકારે કહ્યું છે કે એજન્સીઓ પોતાનું કામ કરતી હોય છે તેમાં સરકારની કોઈ દરમિયાનગીરી હોતી નથી. સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોના સવાલના જવાબમાં આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે પુરી જાણકારી જરૂર લેવી જોઈએ. જાણકારીના અભાવમાં ઘણા વિષય એવા સામે આવે છે જે સત્યથી પરે હોય છે. 
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer