આજે સિદ્ધુ બનશે પ્રદેશપ્રમુખ

આજે સિદ્ધુ બનશે પ્રદેશપ્રમુખ
પંજાબ કૉંગ્રેસમાં કંકાસ વચ્ચે
સમર્થકો સામે કાર્યવાહીની તૈયારીમાં કૅપ્ટન
ચંડીગડ, તા.રર : પંજાબ કોંગ્રેસમાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને પાર્ટી પ્રમુખ જાહેર થયેલા નવજોત સિદ્ધુ વચ્ચે છેડાયેલી વર્ચસ્વની લડાઈ વધુ ઉગ્ર બની છે. તા.ર3ને શુક્રવારે સવારે 11 કલાકે કોંગ્રેસ ભવન ખાતે પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદે સિદ્ધુની ઔપચારિક તાજપોશી થશે જો કે તે પહેલા વાત વધુ વણસી છે. નારાજ કેપ્ટન અમરિંદર સિદ્ધુ સમર્થકો સામે પગલાં ઉઠાવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. સિદ્ધુને પાર્ટી પ્રમુખ બનાવવાથી વિવાદ ઉકેલાવવાને બદલે વધુ ઘેરાય તેવી સ્થિતી ઉભી થઈ છે.
સિદ્ધુએ પોતાનો કોઈ અંગત એજન્ડા ન હોવાનો બચાવ કરી પોતાની તાજપોશીના સમારોહમાં મુખ્ય પ્રધાન અમરિંદર સિંહને આમંત્રિત કર્યા છે. પંજાબ કોંગ્રેસ કમિટિના કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરા અને સંગત સિંહ ગિલજિયાં મુખ્ય પ્રધાનને આમંત્રિત કરવા દોડી ગયા હતા. જો નારાજ કેપ્ટન હાજરી આપશે તો વિવાદ સમાપ્ત થયાનું માનવામાં આવશે. સમારોહમાં પંજાબ કોંગ્રેસના તમામ પ્રધાનો, ધારાસભ્યો તથા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પહેલા જાહેર માફી માગવાની જીદ પર બંન્ને જૂથ અડગ રહ્યા હતા. અમરિંદર સિંહ સિદ્ધુ મામલે જરાય નમતું જોખવા તૈયાર નથી. કોંગ્રેસના ધારાસભ્ય દર્શન બરાડ જેઓ સિદ્ધુના સમર્થક છે તેમના પર હોશિયારપુરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યાનો આરોપ છે. પોતાને મળેલી નોટિસ અને 1.6પ કરોડનો દંડ પાછો ખેંચાવવા બરાડે મુખ્ય પ્રધાન પર દબાણ કર્યુ પરંતુ સફળતા નહીં મળતાં તેઓ જાહેરમાં સિદ્ધુના સમર્થનમાં ઉતરી ગયા છે. જેથી નારાજ અમરિંદર બરાડની ફાઈલ ખોલાવી કાયદાકીય પગલાં લે તેવી સંભાવના છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer