પેગાસસ જાસૂસીકાંડ સુપ્રીમ કોર્ટના દ્વારે

પેગાસસ જાસૂસીકાંડ સુપ્રીમ કોર્ટના દ્વારે
એસઆઇટી તપાસની માગ : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો યુ-ટર્ન
નવી દિલ્હી, તા. 22 : પેગાસસ સોફ્ટવેર દ્વારા ભારતમાં વિપક્ષી નેતાઓ અને પત્રકારોની કથિત જાસૂસીનો મામલો ભારતની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. મામલાની એસઆઇટી દ્વારા તપાસની સાથોસાથ ભારતમાં પેગાસસની ખરીદી પર રોક મૂકવાની પણ માંગ એક અરજીમાં કરાઇ છે.
બીજી તરફ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે યુ-ટર્ન લેતાં એનએસઓ ફોન રેકોર્ડના પુરાવા ભારત સહિત દુનિયાભરનાં મીડિયા સંગઠનોને આપ્યા હોવાનો દાવો કર્યો હોવાનું નકારી દીધું હતું.
વરિષ્ઠ વકીલ મનોહરલાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને  સર્વોચ્ચ અદાલતની જ દેખરેખ હેઠળ પેગાસસ પ્રકરણની તપાસ ખાસ તપાસનીશ ટીમ દ્વારા કરાવવાની માંગ કરી છે.
પેગાસસ કાંડ ઊંડી ચિંતાનો વિષય છે અને ભારતીય લોકતંત્ર, ન્યાયતંત્ર તેમજ દેશની સુરક્ષા પર ગંભીર હુમલો છે, તેવું અરજદાર વકીલે કહ્યું હતું.
અરજીમાં જણાવાયું છે કે, પેગાસસનો  ઉપયોગ માત્ર વાતચીત સાંભળવા નહીં પરંતુ વ્યક્તિના  અંગત જીવન વિશે પૂરી જાણકારી મેળવવા કરાયો છે.
જાસૂસીકાંડના ખુલાસાથી રાષ્ટ્રીય સુરક્ષા પર મોટી અસર પડી શકે છે, તેવી ભીતિ પણ અદાલત સમક્ષ વ્યક્ત કરાઇ છે.
અરજીમાં જાસૂસી માટે પેગાસસની ખરીદીને ગેરકાનૂની તેમજ ગેરબંધારણીય જાહેર કરવાનો અનુરોધ પણ કરાયો છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer