વાતચીત માટે દ્વાર ખુલ્લાં કૃષિપ્રધાન

વાતચીત માટે દ્વાર ખુલ્લાં કૃષિપ્રધાન
જંતરમંતરમાં ખેડૂતોની સંસદ શરૂ
નવી દિલ્હી, તા.રર : નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતના દ્વાર ફરી ખુલે તેવો આશાવાદ ઉભો થયો છે. કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુરૂવારે કહ્યુ કે સરકાર આંદોલનકારી ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે અને સરકાર ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરશે.
 જો કે તેમણે એવી પણ શરત મૂકી કે ખેડૂત સંગઠનો કૃષિ કાયદા અંગે મુદ્દાસર પોતાની સમસ્યાઓ લઈને આવશે ત્યારે જ સરકાર વાતચીત કરશે. ખેડૂતોએ ગુરૂવારથી દિલ્હીના જંતરમંતર ખાતે ખેડૂત સંસદ શરૂ કરી તે સાથે કૃષિ મંત્રીનું આવું નિવેદન સામે આવ્યુ છે. તોમરે પુનરોચ્ચાર કર્યો કે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે તેનાથી ખેડૂતોને ફાયદો થશે. અમે આ કાયદા અંગે ચર્ચા કરી છે. ખેડૂતો પોતાની સમસ્યાઓ જણાવે તો અમે તેના પર ચર્ચા કરી શકીએ.
કોંગ્રેસના સાંસદોનું પ્રદર્શન
સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ સતત સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. ગુરૂવારે સંસદનું સત્ર શરૂ થયું તે પહેલા કોંગ્રેસના સાંસદોએ ગાંધી મૂર્તિ પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા વિરૂધ્ધ પ્રદર્શન કર્યું હતું જેમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer