કોરોનાના અપશુકન વચ્ચે આજથી ટોકિયો અૉલિમ્પિક્સનો આરંભ

કોરોનાના અપશુકન વચ્ચે આજથી ટોકિયો અૉલિમ્પિક્સનો આરંભ
ટોક્યો તા.22: સમગ્ર વિશ્વને જીવલેણ ભરડામાં લેનાર કોરોના વાઇરસ મહામારી વચ્ચે આવતીકાલ શુક્રવારથી ટોકયો ઓલિમ્પિકનો સત્તાવાર પ્રારંભ થશે. કોરોનાને લીધે એક વર્ષ સ્થગિત થયા બાદ હવે પહેલીવાર બંધ સ્ટેડિયમોમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે રમાનાર ઓલિમ્પિકમાં 206 દેશના 11238 ખેલાડીઓ તા. 8 ઓગસ્ટ સુધી ચંદ્રક માટે એડી ચોટીનું જોર લગાવશે. ટોકયોના ખેલ મહાકુંભમાં ભારતના 124 એથ્લેટ પડકાર આપશે. જેમાં અનેક ખેલાડી ઇતિહાસ રચીને ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને રિયો ઓલિમ્પિકની સિલ્વર ગર્લ પીવી સિંધુ, કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, નિશાનબાજ સૌરભ ચૌધરી, મનુ ભાકર, કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયા, બોકિસંગના ખેલાડીઓ, આર્ચરીમાં દીપિકાકુમારી, ભાલા ફેંકમાં નિરજ ચોપરા, હોકીની પુરુષ ટીમ ટોકયો ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચી શકે છે. આ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ પણ સુખદ પરિણામ આપવા ઉત્સાહિત છે. રિયો ઓલિમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીતનાર ભારતને આ વખતે ટોકયોમાં ડબલ ફીગરમાં પહોંચવાનો ભરોસો છે.
એક અબજ અને 30 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશ પાસે ઓલિમ્પિક ઇતિહાસમાં ફકત 28 ચંદ્રક છે. જેમાં 8 ગોલ્ડ તો ફકત હોકીના છે. એકમાત્ર વ્યકિતગત ગોલ્ડ મેડલ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. જે તેણે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે દેશના ખેલાડીઓ પાસે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. પૂરા દેશની આશા આ ખેલાડીઓ પર ટકી છે. મેદાન પરની તેમની સફળતા કોરોના મહામારીને લીધે પેદા થયેલા હતાશા, દુ:ખ, દર્દ, ડર અને આશંકાઓને ભુલાવવામાં નિમિત બની શકે છે.
દુનિયાના સૌથી વધુ વસતિવાળા શહેર પૈકીના એક ટોક્યો પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે ઓલિમ્પિકનું આયોજન સફળતાથી પાર પડશે. 
આ વખતે ભારતના 124 એથ્લેટ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં 69 પુરુષ અને પપ મહિલા ખેલાડી છે. બાકીનો સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ છે. ભારતીય ખેલાડીઓ 85 મેડલની દાવેદારી રજૂ કરશે. ટોકયો ઓલિમ્પિકમાં કુલ 33 રમતની જુદી જુદી 339 સ્પર્ધા યોજાશે.
ભારતીય સમય અનુસાર બપોર બાદ 4-30 વાગ્યાથી અૉપનિંગ સેરેમની ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં યોજાશે. જે સ્થાનિક સમય અનુસાર શુક્રવારે રાત્રે 8-00 વાગ્યાથી શરૂ થશે. ભારતીય સમય અનુસાર બપોર બાદ 4-30 વાગ્યાથી થશે. ઉદ્ઘાટન સમારંભ અને ઓલિમ્પિકની તમામ સ્પર્ધાઓનું જીવંત પ્રસારણ ભારતમાં સોની ટીવીની જુદી જુદી સ્પોર્ટસ ચેનલો પરથી થશે. આ ઉપરાંત સોની લિવની એપ પરથી ઓનલાઇન જોઇ શકાશે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer