સંસદમાં ખેલા શરૂ

સંસદમાં ખેલા શરૂ
લોકસભામાં કૃષિ સુધારા અને રાજ્યસભામાં `જાસૂસી' પ્રકરણે ધમાલ
આઈટી પ્રધાન પાસેથી કાગળો આંચકી લેવાયા : વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવની ભાજપની તૈયારી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : વિરોધ પક્ષોએ કૃષિ કાયદા અને પેગાસસ જાસૂસી પ્રકરણે વિરોધ પ્રદર્શન ચાલુ રાખતાં આજે પણ લોકસભા અને રાજ્યસભામાં કામકાજ આગળ વધી શક્યું નહોતું. સંસદના બંને ગૃહમાં વિપક્ષો દ્વારા `ખેલા હોબે'ની શરુઆતથી કાર્યવાહી ખોરવાઈ હતી.
આવતા વર્ષે થનારી પંજાબ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો કૉંગ્રસ, અકાલી દળ અને આમ આદમી પાર્ટીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દે ધમાલ મચાવી હતી. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સંસદ ભવનથી થોડે અંતરે આવેલા જંતરમંતર ખાતે નવ અૉગસ્ટ સુધી રોજ કિસાન સંસદ ભરવાના છે અને વિપક્ષોને કૃષિ કાયદા મામલે અધિવેશનમાં સરકાર સામે હોબાળો મચાવવાની તક મળી છે. 
રાજ્ય સભામાં પણ વિપક્ષી સાંસદોએ ગુરુવારે પેગાસસ જાસૂસી પ્રકરણ સહિત વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન ર્ક્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ રાજ્ય સભામાં પેગાસસ મુદ્દે પોતાની વાત રજૂ કરવા માટે ઊભા થયા ત્યારે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ શાંતનુ સેને તેમના હાથમાંથી કાગળ લઈને ડેપ્યુટી ચૅરમૅન તરફ ફેંકી દીધા હતા. આ દરમિયાન આઈટી પ્રધાને પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું, પરંતુ વિરોધ પક્ષોના સાંસદો વૅલમાં ધસી ગયા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. કોપી ફાડવાના કૃત્યના ઘેરા પડઘા પડયા છે. સરકારે તૃણમૂલ સાંસદને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. આ મામલે સરકાર વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી શકે છે.
ડેપ્યુટી ચૅરમૅન હરિવંશે સાંસદોને તેમની જગ્યા પર પાછા જવા અને આઈટી પ્રધાનને પોતાનું ભાષણ પૂરું કરવા દેવા કહ્યું હતું. અશ્વિની વૈષ્ણવે બોલવાનું શરૂ ર્ક્યું ત્યારે શાંતનુ સેને તેમના કાગળ લઈને ફાડી નાખ્યા હતા. અશ્વિની વૈષ્ણવ પોતાની વાત પૂરી કરી શક્યા નહોતા અને ભાષણ સમેટવું પડયું હતું.
ત્યાર બાદ અધ્યક્ષે બીજા દિવસ સુધી સદનની કાર્યવાહી મોકૂફ રાખી હતી. સાંસદોની ધમાલને કારણે આ પહેલાં પણ બે વાર રાજ્યસભાની કામગીરી મુલતવી રાખવી પડી હતી. લોકસભામાં પણ કૃષિ કાયદા અને જાસૂસી પ્રકરણને કારણે થયેલા હંગામાને કારણે કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.
કૃષિ કાયદાના વિરોધમાં કૉંગ્રેસ અને બીએસપીના સાંસદો વૅલમાં ધસી ગયા હતા ત્યારે તૃણમૂલ કૉંગ્રેસના સાંસદોએ અભિષેક બેનરજીના નેતૃત્વમાં તેમના નેતાઓની જાસૂસી માટે ખુલાસો માગ્યો હતો. તેમણે વડા પ્રધાન પાસે જવાબ માગ્યા હતા. 
સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને તેમની જગ્યા પર પાછા જવાનું કહીને સંસદની કાર્યવાહી ચાલુ રાખવાનો પ્રયાસ ર્ક્યો હતો. તેમણે સાંસદોને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેઓ સદનના શિષ્ટાચારનો ભંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તમને લોકોની સમસ્યાઓ રજૂ કરવા માટે ચૂંટવામાં આવ્યા છે, સૂત્રોચ્ચાર કરવા માટે નહીં. સૂત્રોચ્ચાર સંસદની બહાર થવા જોઇએ. અહીં આપણે ચર્ચા-વિમર્શ કરવા જોઈએ.
રાહુલ ગાંધી અને કૉંગ્રેસના સાંસદોએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા સંસદ ભવનની બહાર સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ એકત્ર થયા હતા અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી કરી હતી.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer