સીંગખોળમાં ઐતિહાસિક તેજી : ભાવ અકલ્પનીય ઊંચા

સીંગખોળમાં ઐતિહાસિક તેજી : ભાવ અકલ્પનીય ઊંચા
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 28 : ખાદ્યતેલ બજારમાં સૌથી વધારે ચર્ચા અત્યારે સીંગખોળની થવા લાગી છે. સીંગખોળ બે દિવસમાં રુ.52 હજારમાંથી રુ. 58000 સુધી પહોંચી ગયો હતો. 
સટ્ટાકિય તેજીએ માઝા મૂકી છે. સોયાખોળની તેજીનું કારણ ઉત્પાદકો આપી રહ્યા છે પણ અત્યારે સીંગખોળનું ઉત્પાદન ઓછું હોય છે અને સોદા પણ નહીવત થતા હોય છે એટલે તેજી ફક્ત છાપાછાપીની દેખાય રહી છે, હવે સોયાતેલ અને ખોળની તેજી ભાંગી પડતા કડાકો પણ તેજી જેટલો બોલશે એમ અગ્રણીઓ કહે છે. 
સીંગતેલના ભાવ ખોળથી પ્રભાવિત નથી. લૂઝનો ભાવ સૌરાષ્ટ્રમાં રુ.1450 બોલાયો હતો. લૂઝમાં ફક્ત બેથી ત્રણ ટેન્કર જેટલા કામકાજ થયા હતા. 
ધોરાજી-ઉપલેટા લાઇનમાં તેલિયાનો ભાવ રુ. 2215-2216 રહ્યો હતો.  
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રુ. 1425-1430 જળવાયેલો રહ્યો હતો. વોશમાં પાંચથી સાત ટેન્કરના કામકાજ થયા હતા. મલેશિયામાં ક્રૂડ પામતેલનો ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 125 રીંગીટના કડાકામાં 4297ની સપાટીએ બંધ થયો હતો.
કંડલા બંદરે પામતેલ રુ. 10 ઘટતા રુ.1228-1230 અને સોયાતેલ રુ. 20 તૂટીને રુ. 1385-1388 હતુ. 
સ્થાનિક બજારમાં સીંગતેલમાં ડબે રુ. 10 ઘટી જતા રુ.2440-2490નો ભાવ હતો. કપાસિયા તેલમાં રુ. 20 ઘટીને રુ. 2405-2435માં વેપારો થયા હતા. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer