મહિલા હોકી ટીમની હારની હેટ્ટ્રિક : બ્રિટન સામે 1-4થી પરાજય

મહિલા હોકી ટીમની હારની હેટ્ટ્રિક : બ્રિટન સામે 1-4થી પરાજય
કવાર્ટરની રહીસહી આશા જીવંત રાખવા આખરી બે મુકાબલામાં વિજય જરૂરી
ટોક્યો, તા.28: ભારતીય મહિલા હોકી ટીમની ટોક્યો ઓલિમ્પિકમાં હારની હેટ્રિક થઇ છે. આજે રમાયેલા પૂલ-એના મેચમાં બીજા હાફના સારા દેખાવ છતાં ભારતનો ગ્રેટ બ્રિટનની મહિલા ટીમ વિરૂધ્ધ 1-4થી પરાજય થયો હતો. રિયો ઓલિમ્પિક ચેમ્પિયન ગ્રેટ બ્રિટન તરફથી આજના મેચમાં હેના માર્ટિને બીજી અને 19મી મિનિટે, લિલી આઉસ્લેએ 41મી અને ગ્રેસ બાલ્સડને 57મી મિનિટે ગોલ કર્યાં હતા. વિશ્વ ક્રમાંકમાં 11મા નંબરની ભારતીય મહિલા હોકી ટીમ તરફથી મેચનો એકમાત્ર ગોલ 23મી મિનિટે શર્મિલા દેવીએ કર્યોં હતો. આ પહેલા વિશ્વ નંબર વન ટીમ નેધરલેન્ડસ વિરૂધ્ધ 1-5થી અને જર્મની વિરૂધ્ધ 0-2 ગોલથી ભારતની મહિલા ટીમની હાર થઇ હતી.
પૂલ-એમાં ભારતીય ટીમને હવે પોઇન્ટનું ખાતું ખોલવું બાકી છે. 6 ટીમના આ ગ્રુપમાં ભારત પાંચમા સ્થાને છે. કવાર્ટર ફાઇનલની રહીસહી આશા જીવંત રાખવા રાની રામપાલની ટીમે બાકીના બે મેચ આયરલેન્ડ અને દ. આફ્રિકા સામે આર યા પારનો જંગ રમવો પડશે. આજના મેચમાં અમ્પાયરના કેટલાક નિર્ણય પણ ભારતના પક્ષમાં રહ્યા ન હતા. ભારતની મહિલા ટીમની હવે 30મીએ આયરલેન્ડ સામે ટક્કર થશે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer