વેરનું કારણ દેખાડી પરમબીર સિંહ તપાસમાંથી છટકી શકે નહીં : મહારાષ્ટ્ર સરકાર

મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે બુધવારે હાઈ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સિનિયર આઈપીએસ ઓફિસર અને મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહની રજૂઆત કે મેં માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે ફરિયાદ કરી એટલે મારી સામે ક્રિમિનલ કેસો ફાઈલ કરાયા છે એવું કારણ આપી તેઓ ક્રિમિનલ કેસોની તપાસમાંથી છટકી શકે નહીં. 
પરમબીર સિહે તેમની સામેની બે ક્રિમિલન તપાસને હાઈ કોર્ટમાં પડકારી છે. એક કેસમાં તેમના પર ફરજમાં બેદરકારી અને ગેરવર્તન દાખવવાનો તથા બીજા કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ તેમના પર મુકવામાં આવ્યો છે. હાઈ કોર્ટની બૅન્ચ આ અરજીની બુધવારે સુનાવણી કરી રહી હતી. 
પરમબીર સિંહના વકીલ મહેશ જેઠમલાનીએ બૅન્ચને કહ્યું હતું કે મારા અસીલને હજી સુધી આ બે કેસ વિશે કોઈ સમન્સ કે નોટિસ મળ્યા નથી. 
જોકે મહારાષ્ટ્ર સરકારના સિનિયર કાઉન્સેલ દરાયસ ખંભાતાએ કોર્ટને કહ્યું હતું કે પરમબીરની  અરજી નોકરીની બાબત સંબંધે છે અને એની સુનાવણી હાઈ કોર્ટમાં નહીં પણ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં થવી જોઈએ.
સરકારે વેરઝેર દાખવી આ બે કેસ ફાઈલ કર્યા છે એવો પરમબીરનો બચાવ સાવ બોગસ છે. તમે અનિલ દેશમુખ સામે ફરિયાદ કરી એટલે તમને કોઈ કાયમી કવચ મળી જતું નથી. પરમબીર સામે 21 ફેબ્રુઆરીના એટલે કે અનિલ દેશમુખના પ્રકરણ પહેલા ફરિયાદ થઈ હતી. ટૂંકમાં પરમબીર સિંહે અનિલ દેશમુખ સામે સરકારને પત્ર લખ્યો એ પહેલા આ ફરિયાદ થયેલી. આ ફરિયાદ ઈન્સ્પેકટર અનિલ ડાંગેએ કરી હતી. 
પરમબીરની અરજી દાખલ કરી શકાય છે કે કેમ એ વિશે કોર્ટે એનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer