વૉકહાર્ટ હૉસ્પિટલમાં હૃદયના માઈટ્રલ વાલ્વની મિનિમલ ઈન્વેસિવ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઈ

મુંબઈ, તા. 28 : મુંબઈ સેન્ટ્રલ સ્થિત વૉકહાર્ટ હૉસ્પિટલમાં કાર્ડિયો-થોરેસિક સર્જ્યન ડૉ. મંગેશ કોહલે અને તેમની ટીમે બે દર્દીઓ, 65 વર્ષના રિદ્ધિ શાહ (નામ બદલ્યું છે) અને 56 વર્ષના ગણેશ તરે (નામ બદલ્યું છે) પર મિનિમલ ઈન્વેસિવ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. મિનિમલ હાર્ટ સર્જરી ભારતમાં હાર્ટ સર્જરીનું એક નવું રૂપ છે. એ કોરોનરી હૃદયરોગની  સારવારમાં કોરોનરી બાયપાસ પ્રક્રિયાની નવી અને અદ્યતન ટેક્નિક છે. આ ટેક્નિકમાં હૃદય સુધી પહોંચવા માટે ફક્ત ચારથી છ સે.મી.નો ચીરો મૂકવામાં આવે છે. છાતીના કોઈપણ હાડકાંને કાપ્યાં વગર અને માંસપેશીઓને વિભાજીત કરીને પાંસળીઓની વચ્ચેથી છાતીમાં પ્રવેશ કરાય છે. 
રિદ્ધી શાહને હાંફ ચડતી હતી. ટુ-ડી ઈકોમાં તેમને માઈટ્રોલ વાલ્વની સમસ્યા હોવાનું નિદાન થતાં વાલ્વ બદલવાની સલાહ અપાઈ હતી. 
ડૉ. મંગેશ કોહલેએ છાતીમાં જમણી બાજુએ, નીચે છ સે.મી.નો ચીરો મૂકીને મિનિમલ ઈન્વેસિવ માઈટ્રલ વાલ્વ સર્જરી પાર પાડી હતી. જ્યારે ગણેશ તરેને છેલ્લા બે મહિનાથી છાતીમાં દુખાવો થતો હતો. તેમની મુખ્ય ધમનીમાં 90 ટકા બ્લોકેજનું નિદાન થયું હતું. ડૉ. કોહલેએ છાતીની ડાબી બાજુમાં છ સે.મી.નો ચીરો મૂકીને મિનિમલ બાયપાસ સર્જરી કરી હતી. ડૉ. મંગેશ કોહલે જણાવે છે કે પરંપરાગત શસ્રક્રિયાની સરખામણીમાં આ સર્જરીના ઘણાં ફાયદા છે. જેમ કે એમાં કોઈ હાડકું કાપવામાં આવતું નથી, દુખાવો ઓછો થાય છે અને દર્દી ડ્રાઈવિંગ કરવા સહિત પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં પાછો આવી શકે છે. રક્તહાનિ લગભગ નહિવત થતી હોવાથી રક્ત ચડાવવાની અને ચેપની શક્યતા ઘટી જાય છે. આથી ડાયાબિટિક અને વૃદ્ધ દર્દીઓ માટે પણ એ લાભદાયક છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer