વૅક્સિન લીધા બાદ મૃત્યુ પામનારા 63 ટકા કોવિડ દર્દીઓને અન્ય બીમારીઓ હતી

વૅક્સિન લીધા બાદ મૃત્યુ પામનારા 63 ટકા કોવિડ દર્દીઓને અન્ય બીમારીઓ હતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : છેલ્લા બે મહિનામાં રાજ્ય સંચાલિત મેડિકલ કૉલેજો ખાતે કોવિડને લીધે મોતને ભેટનારા લગભગ 95 ટકા દર્દીઓએ વૅક્સિન લીધી નહોતી એમ તબીબી શિક્ષણ વિભાગના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું. 
વૅક્સિન લીધા બાદ પણ જે 261 લોકોનાં મોત થયાં હતાં તેમાંના 88 ટકા લોકોએ એક જ ડૉઝ લીધો હતો જ્યારે માત્ર 12 ટકા લોકોએ જ બે ડૉઝ લીધા હતા.
વૅક્સિન નહીં લેનારા લોકોના કેસમાં મૃત્યુદર 35.2 ટકા જેટલો ઊંચો રહ્યો હતો જ્યારે વૅક્સિન લેનારા લોકોમાં મૃત્યુદર 13.7 ટકા જેટલો રહ્યો હતો.
ઉપલબ્ધ ડેટાનો સાર એ છે કે, વૅક્સિન લેવી અત્યંત જરૂરી છે એમ તબીબી શિક્ષણના સચિવ સૌરભ વિજયે જણાવ્યું હતું. તેમની વાતમાં સૂર પુરાવતા મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. દિલીપ મ્હૈસેકરે જણાવ્યું હતું કે, વૅક્સિન લેવી મહત્ત્વની બાબત છે. ઘણા લોકો વૅક્સિન લેવાનું ટાળે છે તે માટેનું એક કારણ અજ્ઞાનતા હોઈ શકે છે.
વૅક્સિન લઈ ચૂકેલા લોકોના થયેલાં મોત અંગેનું વિશ્લેષણ કરવામાં આવતાં જણાવ્યું હતું કે, આવા 63 ટકા લોકોને અન્ય બીમારીઓ હતી અને તેઓ 68 વર્ષથી ઉપરની વયના હતા. છેલ્લો ડૉઝ લીધાના સરેરાશ 33 દિવસ બાદ આવા મૃત્યુ થયાં હતાં. આવા 140 દર્દીઓને લગભગ મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા અને સારવારની કોઈ તક પ્રાપ્ત થઈ નહોતી. એમ આ અભ્યાસની આગેવાની લેનારા તબીબી શિક્ષણ વિભાગના ડૉ. રાકેશ વાઘમારેએ જણાવ્યું હતું.
જન આરોગ્ય અભિયાન સાથે જોડાયેલા ડૉ. અભિજિત મોરેએ જણાવ્યું હતું કે, અન્ય બીમારીઓ ધરાવતા કોવિડના દર્દીઓમાં મોતનું પ્રમાણ વધુ હોવાથી આવા લોકોને બચાવવા અત્યંત જરૂરી છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer