કાશ્મીર અને હિમાચલમાં વાદળો ફાટયાં

કાશ્મીર અને હિમાચલમાં વાદળો ફાટયાં
16નાં મૃત્યુ; 50થી વધુ લાપતા
નવી દિલ્હી, તા. 28 : હિમાચલ પ્રદેશ તેમજ કાશ્મીરમાં બુધવારે `આભેથી આફત' વરસી હતી. બંને પ્રદેશોમાં વાદળ ફાટતાં પૂરપ્રકોપમાં કમસેકમ 16 લોકોના મોત થઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા. પાકનો સોથ વળી ગયો હતો. કુદરતના કોપથી ચોમેર જળબંબાકારથી સામાન્ય જનજીવન પાયમાલ, પરેશાન થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પૂરપીડિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત-બચાવ અભિયાન છેડવાના નિર્દેશ આપ્યા હતા.
કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં પૂરના ધસમસતા પ્રવાહમાં તણાતાં સાત જણે જીવ ખોયા હતા. તો હિમાચલના લાહૌલ-સ્પીતી, કુલ્લુ, કિન્નોર સહિત ભાગોમાં જળપ્રલયથી તબાહી વચ્ચે નવ લોકોનો મોત થયા હતા.
બીજીતરફ, કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાં બીએસએફ અને સીઆરપીએફના કેમ્પ તબાહ થઇ ગયા હતા. બંને પ્રદેશોમાં ધસમસતા પૂરના પ્રવાહમાં કાચા મકાનો, વાહનો, મહાકાય જેસીબી સહિત તણાઇ જતાં લાખોનું નુકસાન થયું હતું.કિશ્તવાર જિલ્લામાં બુધવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે વાદળ ફાટતાં પૂરપ્રકોપમાં 40 લોકો લાપતા થઈ ગયા હતા, જેમાંથી કમસેકમ 7 જણનાં મોત થઈ ચૂક્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પીડિતોને લગાતાર સહાય ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા હતા અને સૌની સુરક્ષાની પ્રાર્થના કરી હતી.
કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાત કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સેના, એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અભિયાન જારી છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer