90 દિવસમાં પાંચ લાખ સુધીની રકમ પરત મળશે : નાણાપ્રધાન

90 દિવસમાં પાંચ લાખ સુધીની રકમ પરત મળશે : નાણાપ્રધાન
મોરેટોરિયમ હેઠળની બૅન્કોના થાપણદારોને મોટી રાહત
મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે ડીઆઈસીજીસી ઍક્ટમાં સુધારણાને મંજૂરી આપતાં મોરેટોરિયમ હેઠળ મુકાયેલી બૅન્કોના ખાતેદારોને 90 દિવસની અંદર રૂા. પાંચ લાખ સુધીની રકમ તેમના ખાતામાંથી ચૂકવવાનો માર્ગ મોકળો થયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ વિશે પત્રકારોને માહિતી આપી હતી. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે થાપણો ઉપરના વીમા કવચની મર્યાદા પાંચ ગણી વધારીને રૂા. પાંચ લાખ કરી હતી જેથી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ (પીએમસી) બૅન્ક જેવા કેસીસમાં ખાતેધારકોને આર્થિક સહાય મળી શકે.
પીએમસી બૅન્ક બાદ યસ બૅન્ક અને લક્ષ્મી વિલાસ બૅન્ક પણ આર્થિક સંકટમાં મુકાયા બાદ આરબીઆઈ અને કેન્દ્ર સરકારે આ બૅન્કોની પુનર્રચનાનો નિર્ણય લીધો હતો.
ડિપૉઝિટ ઈન્સ્યુરન્સ ઍન્ડ ક્રેડિટ ગેરેન્ટી કૉર્પોરેશન (ડીઆઈસીજીસી) ઍક્ટ 1961માં આ સંદર્ભે સુધારણા કરવાની દરખાસ્ત નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગત બજેટમાં રજૂ કરી હતી.
આ સંદર્ભે ખરડો વર્તમાન વર્ષા સત્રમાં રજૂ થવાની શક્યતા છે, એમ નાણાપ્રધાને આજે અહીં પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું.
આ ખરડાને મંજૂરી મળતા સંકટગ્રસ્ત બૅન્કોના હજારો થાપણદારોને તાત્કાલિક રાહત મળશે, એમ નાણાપ્રધાને ઉમેર્યું હતું.
વર્તમાન જોગવાઈ એ છે કે જો બૅન્કનું લાઈસન્સ રદ થાય અને લિકિવડેશનની પ્રક્રિયા શરૂ થાય તો રૂા. પાંચ લાખ સુધીની રકમની ડિપૉઝિટ ઉપર ઈન્સ્યુરન્સ મળે છે.
ડીઆઈસીજીસી આરબીઆઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે જે બૅન્કોની ડિપૉઝિટસ ઉપર વીમા કવચ આપે છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer