જીએસટી કરદાતાનું બૅન્ક ઍકાઉન્ટ સ્થગિત કરવાના આદેશને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવ્યો

``કમિશનર તેની સત્તાની ઉપરવટ ગયા હતા''
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 14 બેલાપુરના સીજીએસટી કમિશનરેટ દ્વારા એસ એસ અૉફશોર પ્રા. લિ.નું બૅન્ક એકાઉન્ટ સ્થગિત કરવાના પગલાંને બૉમ્બે હાઈ કોર્ટે રદ્દ કરવાનો અને  એકાઉન્ટને તત્કાળ છૂટું કરવાનો આદેશ આપ્યો છે.  
અદાલતે તેના હુકમમાં કમિશનરના પગલાંની ટીકા કરતા કહ્યું કે, કર કાયદાનું ચુસ્ત પાલન થવું જોઈએ. આ  પાલન કરવા માટે કાયદા હેઠળ મળેલી સત્તાના ઉપયોગની શરતોનું પણ ચુસ્ત પાલન થવું જોઈએ. 
એસ એસ અૉફશોર કંપનીના ધારાશાસ્ત્રી રાહુલ કદમે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે, આ કંપની સામે સીજીએસટી ધારાની વિવિધ કલમો હેઠળ કોઈ પણ કાર્યવાહી બાકી નથી. તેમ છતાં, કમિશનરે તેની કાનૂની સત્તાની બહાર જઈને સેક્શન 83ના રુલ 159 (1) હેઠળ બૅન્ક એકાઉન્ટને સ્થગિત કર્યું હતું. કદમે સુપ્રીમ કોર્ટના અગાઉના કેસમાં કરેલા નિરીક્ષણોનો હવાલો આપતા કદમે કહ્યું કે, કરદાતાના બૅન્ક એકાઉન્ટ સહિતની મિલ્કત ઉપર ટાંચ મારવાની સત્તા આપખુદ છે. તેથી આ સત્તાનો ઉપયોગ કરવા માટે તેની સાથે જણાવાયેલી શરતોનું પાલન થવું જોઈએ.  
પ્રતિવાદીએ દલીલ કરી હતી કે આ કંપનીએ બોગસ કંપનીઓના નામે બોગસ આઇટીસીનો લાભ લીધો હતો. પરિણામે, સરકારને આવકનું નુકસાન થયું હતું. 
અદાલતે આ દલીલને ફગાવતા કહ્યું હતું કે, જેની સાથે છેતરાપિંડી થઈ હોય તેને જયારે તે તપાસ કરવાની સત્તા ધરાવતી હોય અને તે વ્યક્તિ (કમિશનર) તે કહેવાતી  છેતરાપિંડીને શોધી શક્યા ન હોય ત્યારે એવું જ ધારવું જોઈએ કે તપાસ બરાબર થઈ નથી.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer