ઈંધણ મોંઘું થતાં અૉગસ્ટનો હૉલસેલ ફુગાવો સહેજ વધીને 11.39 ટકા થયો

ઈંધણ મોંઘું થતાં અૉગસ્ટનો હૉલસેલ ફુગાવો સહેજ વધીને 11.39 ટકા થયો
નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ) : અૉગસ્ટ મહિનાનો હૉલસેલ ફુગાવો (જથ્થાબંધ ભાવાંકનો ફુગાવો) 11.39 ટકા આવ્યો છે, જે જુલાઈના 11.36 ટકા કરતાં થોડો વધારે છે. તેલીબિયાં, બળતણ અને ખનિજો જેવી અખાદ્ય ચીજોના ભાવ વધવાથી ફુગાવો ઊંચો ગયો છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં જથ્થાબંધ ફુગાવો સતત બે આંકડામાં રહ્યો છે. ગયે વર્ષે 2020માં અૉગસ્ટમાં જથ્થાબંધ ભાવાંકમાં માત્ર 0.4 ટકાનો વધારો થયો હતો. સરખામણીનો પાયો નીચો હોવાથી (લૉ બેઝ ઇફેક્ટ) આ વરસનો આંકડો મોટો જણાય છે.
અૉગસ્ટ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઊંચો રહેવા માટે ખનિજ તેલો, ક્રૂડ તેલ, નેચરલ ગૅસ, ઔદ્યોગિક ધાતુઓ, ખાદ્ય પદાર્થો, કાપડ, રસાયણો અને રાસાયણિક ચીજવસ્તુઓનો ભાવ વધારો જવાબદાર હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું.
અૉગસ્ટમાં છૂટક ભાવાંકનો ફુગાવો ઘટીને 5.30 ટકાના ચાર મહિનાના તળિયે ગયો હોવા છતાં જથ્થાબંધ ભાવાંકમાં વધારો નોંધાયો છે, જે મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઉત્પાદનોના ભાવવધારાને આભારી છે.
જથ્થાબંધ અને છૂટક ભાવાંકના ફુગાવા વચ્ચે હંમેશાં તફાવત રહેવાનો કારણ કે છૂટક ભાવાંકમાં ખાદ્ય પદાર્થોને વધુ ભારાંક અપાય છે, જ્યારે જથ્થાબંધ ભાવાંકમાં મેન્યુફેકચર્ડ ચીજવસ્તુઓને વધુ ભારાંક અપાય છે એમ ઇન્ડિયા રેટિંગ્ઝના વડા અર્થશાત્રી દેવેન્દ્ર પંતે જણાવ્યું હતું. ખાદ્ય પદાર્થોના ભાવ ઘટી રહ્યા હોવાથી છૂટક ફુગાવો નરમ પડયો છે જ્યારે મેન્યુફેકચર્ડ ચીજવસ્તુઓના ભાવ વધ્યા હોવાથી જથ્થાબંધ ફુગાવો ઊંચો ગયો છે.
ખાદ્ય પદાર્થોનો ફુગાવો અૉગસ્ટમાં સતત ચોથા મહિને ઘટતો ઘટતો શૂન્ય નીચે 1.29 ટકા થયો હતો, અર્થાત્ ભાવાંક વર્ષાનુવર્ષ ઘટયો હતો. જુલાઈમાં તે શૂન્ય હતો અર્થાત્ ભાવાંક ગયા વર્ષની જ સપાટી પર ટકેલો હતો. જોકે કઠોળના ભાવમાં જુલાઈમાં 8.34 ટકા અને અૉગસ્ટમાં 9.41 ટકાનો વધારો નોંધાયો હતો. બેઝ ઇફેક્ટ (આગલા વર્ષમાં ભાવ ખૂબ નીચા હોવા)ને કારણે ખાદ્ય પદાર્થોનો ફુગાવો નવેમ્બર સુધી ઘટતો રહેશે. ત્યાર પછી ડિસેમ્બરથી વર્ષાનુવર્ષ ભાવવધારો જોવા મળશે. સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાવાથી ખરીફ પાક મોડો પડે અને તેને પગલે રવી પાકનું વાવેતર ઢીલમાં પડે એવો સંભવ છે એમ ઇક્રાના વડા અર્થશાત્રી અદિતિ નાયરે કહ્યું હતું.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer