ઈડીના સમન્સ સામેની અનિલ દેશમુખની અરજીની સુનાવણી ડિવિઝન બેન્ચ કરશે

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે સમન્સ પાઠવ્યા છે. તેની સામે દેશમુખે કરેલી અરજીની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટના બે જજો ધરાવતી ડિવિઝન બેન્ચ કરશે.
જસ્ટિસ એસ. કે. શિંદેની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે હાઈ કોર્ટના રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટે એવો જે વાંધો ઉઠાવ્યો છે કે અરજીમાં રજૂ કરાયેલા મુદ્દાની સુનાવણી ડિવિઝન બેન્ચ દ્વારા થવી જોઈએ એ `સાચો' છે. જસ્ટિસ શિંદેએ દેશમુખની અરજીને સુનાવણી માટે યોગ્ય ડિવિઝન બેન્ચ સમક્ષ મૂકવામાં આવે એવો આદેશ રજિસ્ટ્રી વિભાગને આપ્યો હતો.
દેશમુખે આ મહિનાની શરૂઆતમાં અરજી કરી હતી જેમાં તેમની સામે ઈડીએ પાઠવેલાં પાંચ સમન્સને રદ કરવાની દાદ ચાહવામાં આવી હતી.
ગયા સપ્તાહે જ્યારે આ અરજી જસ્ટિસ શિંદે સમક્ષ સુનાવણી માટે આવી ત્યારે ઈડી વતીથી હાજર રહેલા સોલિસિટર જનરલ અૉફ ઇન્ડિયા તુષાર મહેતાએ હાઈ કોર્ટનું ધ્યાન એવી નોંધ તરફ દોર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અરજીની સુનાવણી ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવે.
દેશમુખે એમની અરજીમાં જણાવ્યું હતું કે ઈડીનું આ પગલું રાજકીય બદલાનું પરિણામ છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer