મોટાં શહેરોમાં ફાયબ્રોમાયઅલ્ગીઆના કેસમાં થઈ રહેલો વધારો ચિંતાજનક

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : કોવિડ-19ની બીજી લહેર દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં શહેરમાં ડૉક્ટરોએ નિદાન કે સારવારમાં સરળ ન હોય એવી દુ:ખદાયી સ્થિતિ ફાયબ્રોમાયઅલ્ગીઆની ફરિયાદ કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોયો હતો.
`છેલ્લા બે મહિનામાં મારી પાસે દર સપ્તાહે ફાયબ્રોમાયઅલ્ગીઆની ફરિયાદ સાથે 6 નવા દર્દીઓ આવી રહ્યા છે' એમ રૂમેટોલૉજિસ્ટ ડૉ. દીપ્તિ પટેલે જણાવ્યું હતું. તેઓ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની નજીક આવેલી વૉકહાર્ટ હૉસ્પિટલમાં કામ કરી રહ્યાં છે.
ડૉ. પટેલે જણાવ્યું હતું કે દર્દીઓનો ઇતિહાસ જોતાં એવું જણાયું હતું કે 40 ટકા જેટલા દર્દીઓને આ રોગ થયો તેના ત્રણ-ચાર મહિના અગાઉ કોવિડ થયો હતો. આમાંના મોટા ભાગના યુવાન છે અને પુરુષો કરતાં મહિલા દર્દીઓ વધુ છે અને તેઓ પોતાના ઘરેથી ઘણા કલાકો સુધી કામ કરે છે.
ફાયબ્રોમાયઅલ્ગીઆ એક એવા પ્રકારનો દીર્ઘકાલીન દુખાવો છે જે મુખ્યત્વે ખભા, સાંધા, કોણી, છાતી વગેરેમાં થાય છે અને તેને દબાવવામાં આવતા તીવ્ર દુખાવો ઉપડે છે. આમાંના ઘણા દર્દીઓને સતત થાક લાગતો હોય છે.
કેઈએમ હૉસ્પિટલના અૉર્થોપેડિક વિભાગના ડૉ. એસ. એસ. મોહન્તીએ જણાવ્યું હતું કે આવા દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવતાં ભાગ્યે જ કોઈ અસાધારણપણું જોવા મળે છે, પરંતુ મહિનાઓથી તેમને દુખાવો થતો રહ્યો છે અને શરીરના ખાસ અંગોમાં આ દુખાવો રહે છે.
કોવિડ મહામારીને કારણે આર્થિક પરિસ્થિતિ અને સંવેદનશીલતાને થયેલા નુકસાનને પરિણામે આવા કેસ વધ્યા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ફોર્ટીસ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. રાજેશ બેન્નીએ જોકે એમ જણાવ્યું હતું કે કોવિડ સાથે ફાયબ્રોમાયઅલ્ગીઆને જોડવું મુશ્કેલ છે. કોવિડને કારણે આ રોગમાં વધારો થયો હોવાનું કહી શકાય નહીં. આપણે જાણીએ છીએ કે કોવિડને કારણે સ્ટ્રોકના કેસ વધ્યા છે, પરંતુ આવું ફાયબ્રોમાયઅલ્ગીઆની બાબતમાં કહી શકાય નહીં.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer