સપ્ટેમ્બરના 12 દિવસમાં ડેન્ગ્યુના 85 કેસ મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : મુંબઈમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી લઈ અત્યાર સુધી ડેન્ગ્યુના કુલ 305 કેસ મળ્યા છે અને એમાંથી 85 કેસ માત્ર આ મહિનામાં મળ્યા હોવાનું મુંબઈ પાલિકાએ મંગળવારે એક અખબારી યાદીમાં કહ્યું હતું. 
ગયા આખા વર્ષમાં મુંબઈમાંથી ડેન્ગ્યુના કુલ 129 કેસ મળેલા અને ત્રણ દરદીનાં મૃત્યુ થયાં હતાં. જોકે, આ વર્ષે ડેન્ગ્યુને કારણે એકેય દરદીનું અવસાન થયું નથી. 
આ મહિને એકથી 12 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં ડેન્ગ્યુના 85 કેસ મળ્યા હતા તો ગયા મહિને આખા અૉગસ્ટમાં ડેન્ગ્યુના 144 કેસ મળ્યા હતા. આ મહિને જે 85 કેસ મળ્યા હતા એમાંથી મોટાભાગના કેસ ઈ વોર્ડ (ભાયખલા, ચિંચપોકલી અને અગ્રીપાડા), જી-દક્ષિણ વોર્ડ (દાદર પૂર્વ, સાયન પૂર્વ, માટુંગા અને એન્ટોપ હિલ) અને જી-ઉત્તર વોર્ડ (ધારાવી, દાદર અને માહિમ)માંથી મળ્યા છે. 
પાલિકાએ કહ્યું હતું કે વોર્ડ સ્તરના અમારા પેસ્ટ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે ડેન્ગ્યુ રોકવાના ઉપાયના ભાગરૂપે 4,46,077 ઘરોની તપાસણી કરી 4108 મચ્છર ઉછેર સ્પોટનો નાશ કર્યો હતો. મચ્છર ઉછેર સ્પોટનો નાશ કરવા પાલિકાએ ડ્રોનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યું છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer