ગાંધી જયંતીને રાષ્ટ્રીય માંસ મુકત દિન જાહેર કરો : પીટા

નવી દિલ્હી, તા.14 : પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ્સ ઇન્ડિયા (પીટા)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીના અહિંસાને પ્રતિ સમર્પણને સન્માનિત કરવા માટે બીજી અૉકટોબરને રાષ્ટ્રીય માંસ મુકત દિન તરીકે જાહેર કરવાની વિનંતી કરી છે. આ અંગે પીએમ મોદીને પીટાએ એક પત્ર લખીને જણાવ્યું છે કે શાકાહારી હોવું ગાંધીજી માટે નૈતિક સિદ્ધાંતની વાત હતી. પીટા ઇન્ડિયાના સીઇઓ મણિલાલ વાલિયેટેએ પત્રમાં લખ્યું છે કે શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવાની પરંપરાને જાળવી રાખવા તેમ જ ગાંધીજીને આદરાંજલિ આપવાની આ એક તક છે. સારા આરોગ્ય માટે પીટા ઇન્ડિયાએ શાકાહારી ભોજન અપનાવવાની હિમાયત કરી છે. માસાંહાર આરોગ્ય માટે જોખમી છે અને તેનાથી અનેક રોગ થવાની શકયતા વધી જતી હોય છે. ગાંધીજીએ જે રીતે શાકાહારી જીવન પસાર કર્યું તે રીતે જ નાગરિકોએ પણ માસાંહારનો ત્યાગ કરવો જોઇએ. દરરોજ નહીં પણ એક દિવસ માટે અને બીજી અૉકટોબરને માંસ મુકત દિન તરીકે જાહેર કરવામાં આવે એવી વિનંતી પીટાએ પીએમ મોદીને કરી છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer