હવે કંગનાએ હાજર રહેવું જ પડશે, નહીં તો વૉરન્ટ નીકળશે

ગીતકાર જાવેદ અખ્તરે નોંધાવેલો કેસ
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : બૉલીવૂડના ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનૌત સામે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી બદનક્ષીનો જે કેસ કર્યો છે. એમાં મંગળવારની એકમાત્ર સુનાવણીમાં હાજર ન રહેવાની કોર્ટે કંગનાને છૂટ આપી હતી. કોર્ટે કહ્યું હતું કે જો એ હવે પછીની 20 સપ્ટેમ્બરની સુનાવણીમાં હાજર નહીં રહે તો તેની સામે વૉરન્ટ પણ ઈસ્યુ કરાશે. 
અંધેરીની કોર્ટમાં મંગળવારે કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે કંગનાના વકીલે એવી રજૂઆત કરી હતી કે મારા અસીલની તબિયત સારી ન હોવાથી એ સુનાવણીમાં હાજર રહી નથી. કંગનાના વકીલે કોર્ટને મેડિકલ સર્ટિફિકેટ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે મારી અસીલ તેની ફિલ્મના પ્રમોશન માટે અત્યારે ટુર પર છે અને એનામાં કોરોના જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે. 
જોકે, જાવેદ અખ્તરના વકીલે આ સામે વાંધો લીધો હતો અને કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહીને લંબાવવાનો આ નિયોજીત કારસો છે. કંગનાને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટે સમન્સ મોકલ્યા ત્યારથી એક યા બીજા કારણોસર કોર્ટમાં હાજર થવાનું ટાળે છે. 
બન્ને પક્ષની રજૂઆત બાદ મેજિસ્ટ્રેટે કંગનાને મંગળવારની સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તી આપી હતી અને કહ્યું હતું કે હવે પછી 20 સપ્ટેમ્બરની સુનાવણીમાં તેને હાજર રહેવું જ પડશે નહીં તો તેની સામે વોરંટ ઈસ્યુ કરાશે. 
જાવેદ અખ્તરે ગયા નવેમ્બરમાં કંગના સામે કોર્ટમાં ફોજદારી બદનક્ષની ફરિયાદ ફાઈલ કરી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું છે કે કંગનાએ ટીવી ઈન્ટરવ્યુમાં મારી સામે બદનક્ષીભર્યા નિવેદનો કર્યા હતા. 
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer