ગુરુવારે ગુજરાતના નવા પ્રધાનમંડળની શપથવિધિ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અન્ય 19 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે  બેઠક કરી હતી,  આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે. એમની ભૂમિકા પણ કોઈ પ્રકારે હશે એમ માનવામાં આવે છે.
રૂપાણી સરકારના 22 મંત્રીઓના કદને ઘટાડી 19 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા સહિત સૌરભ પટેલને રીપિટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે. 
અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ અથવા વિસનગરના ધારાસભ્ય ઋષીકેશ પટેલને પ્રદિપાસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ 65 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલને નાણાં ખાતુ સોંપાય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.    
 ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણાં નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. 
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer