માતૃભાષા અને રાષ્ટ્રભાષાના સમન્વયમાં જ ભારતની પ્રગતિ

અમિત શાહે હિંદીનું મહત્ત્વ સમજાવ્યું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : ગૃહપ્રધાન અમિત શાહે `િહંદી દિવસ' નિમિત્તે, મંગળવારે દેશમાં હિંદીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે હિંદી આપણી સાંસ્કૃતિક  ચેતના અને રાષ્ટ્રીય એકતાનો મૂળભૂત પાયો છે.
ગૃહપ્રધાને કહ્યું હતું કે, હિંદી દિવસ નિમિત્તે હું દેશના દરેક નાગરિકને વિનંતી કરું છું કે મૂળ કાર્યોમાં પોતાની માતૃભાષા સાથે રાષ્ટ્રભાષા હિંદીનો ઉત્તરોત્તર ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લે. માતૃભાષા અને સરકારી ભાષાના સમન્વયમાં જ ભારતની પ્રગતિ સમાયેલી છે એવું તેમણે ટ્વીટર પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, `આત્મનિર્ભર' એટલે ફક્ત દેશમાં ઉત્પાદન કરવું એટલું જ નથી... આપણે ભાષાઓ સાથે પણ આત્મનિર્ભર થવું પડશે.
અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આપણા વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય સ્તરે હિંદીમાં બોલી શકતા હોય તો આપણે શા માટે શરમાવું જોઈએ? એ દિવસો ગયા કે જ્યારે, હિંદીમાં વાત કરવી ચિંતાનો વિષય ગણાતો હતો.
ગૃહપ્રધાને અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભાષા મનોભાવ વ્યક્ત કરવાનું સૌથી સશક્ત માધ્યમ છે. હિંદી આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો પાયો હોવા સાથે પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો  સેતુ પણ છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ સરકાર હિંદી અને તમામ ભારતીય ભાષાઓના સમાંતર વિકાસ માટે કટિબદ્ધ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિંદી દિવસ નિમિત્તે બધાને શુભેચ્છા આપતાં ટ્વીટર પર જણાવ્યું હતું કે, હિંદીને એક સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં વિવિધ ક્ષેત્રોના લોકોએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે. તમારા બધાના પ્રયત્નોને પરિણામે જ હિંદી વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ નિર્માણ કરી રહી છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer