ગિરનારમાં ભેખડો ધસી પડી; ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં

ગિરનારમાં ભેખડો ધસી પડી; ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14: ગિરનારમાં 18 ઈંચ વરસાદથી ભુસ્ખલન થતા મોટા પથ્થરો ધસી પડયા હતા. ગિરનાર પર્વતના પગથિયા ધોવાઈ ગયા હતા. સીડીની સુરક્ષા દીવાલને નુકસાન થયું હતું. સીડીના 1500થી 1600 પગથિયા વચ્ચે ધોવાણ થયું છે જ્યારે 1 હજાર પગથિયે મોટી શીલા ફસાઈ ગઈ છે.  માંગરોળ, વંથલી, કેશોદ, મેંદરડામાં 350 લોકોનું સ્થળાંતર કરાયું છે. માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં બે અને ભેસાણના રાણપુરમાં એક કાચું મકાન ધરાશાયી થયું છે.
ઉપલેટામાં પપ વર્ષ બાદ મોજ ડેમના પાટિયા 8 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 500 લોકોનું સ્થળાંતર કરાયું હતું. વેરાવળના ખંઢેરી, તાલાલાના ગ્રામ્ય રસ્તા પર પાણી ભરાતા બંધ થઈ ગયા હતા. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. દેવકા નદીનું પાણી વેરાવળના સીમાડાના વિસ્તારમાં ઘૂસ્યું હતું. ગોંડલના ડૈયા, કોલીથડમાં ભારે ખાનાખરાબી થઈ હતી. કોલીથડના મફતીયા વિસ્તામાં પાણી ભરાતા બચાવ કામગીરી માટે જામનગરથી હેલીકોપ્ટરની મદદ લેવાઈ હતી. હેલીકોપ્ટર કોલીથડ પહોંચ્યું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ન થઈ શકતા પરત ફર્યું હતું. છેવટે 450 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
વડોદરા એનડીઆરએફે પોરબંદરના કુતિયાણામાં પુરના પાણીમાં ફસાયેલા ચાર લોકોને બચાવ્યા હતા. વંથલીના સાંતલપુરની સીમમાં પાણીમાં ફસાયેલા 10 લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા. જોડિયા પંથકમાં ભારે પાણી ખેતરમાં ઘૂસી જતા ભાદરા, બાદનપર, કુનડ, અણદા, જોડિયા વગેરે ગામોમાં સેંકડો એકર જમીનમાં મગફળી, કપાસ સહિતના પાકને નુકસાની થઈ છે. 
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust