સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા મોદી અમેરિકા જશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા મોદી અમેરિકા જશે
24 સપ્ટેમ્બરે ક્વૉડ શિખર સંમેલનમાં પહેલીવાર બાયડન સાથે રૂબરૂ મુલાકાત
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : માર્ચ-2021માં બાંગ્લાદેશની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર વિદેશ જઈ રહ્યા છે. તેઓ કવૉડ શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી-યુએનજીએ)ના હાઈ લેવલ સેગમેન્ટમાં સહભાગી થવા અમેરિકા જઈ રહ્યા છે.  વડા પ્રધાન 24 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ જૉ બાયડન દ્વારા વૉશિંગ્ટનમાં આયોજિત ક્વૉડ લીડર્સ સમિટમાં હાજર રહેશે. અૉસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસન અને જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા પણ આ સમિટમાં સહભાગી થશે.
આ સંમેલનમાં ક્વૉડના ચાર દેશોના વડા પ્રથમવાર રૂબરૂ વાતચીત કરશે. માર્ચ મહિનામાં જૉ બાયડને યોજેલી કવૉડ લીડર્સની પ્રથમ બેઠક વર્ચ્યુઅલ યોજાઈ હતી.
વિદેશ મંત્રાલયે જાહેર ર્ક્યા  મુજબ સંમેલનમાં નેતાઓ આ વર્ષે માર્ચ મહિનામાં જાહેર કરાયેલા કોવિડ-19 માટેના ક્વૉડ વૅક્સિન અભિયાનની સમીક્ષા કરશે. ઉપરાંત તેઓ મહત્ત્વની અને નવી ટેકનૉલૉજીઓ, કનેક્ટિવિટી અને માળખાકીય રચના, સાયબર સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, માનવીય સહાયતા/આપદા રાહત, જળવાયુ પરિવર્તન અને શિક્ષણ જેવા સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરશે.
25 સપ્ટેમ્બરે વડા પ્રધાન ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કરશે. આ વર્ષની ચર્ચાનો વિષય છે, `કોવિડ-19 મહામારીમાંથી બહાર નીકળવાની આશાના માધ્યમથી લવચીકતાનું નિર્માણ, સ્થાયી પુન:નિર્માણ, પૃથ્વીની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપવું અને રાષ્ટ્રસંઘને ફરીથી સશક્ત કરવું.' 
વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચારે નેતાઓ પોતાના સંબંધો ગહન કરવા સાથે કોવિડ-19નો સામનો કરવા અને મુક્ત ઈન્ડો-પેસિફિક વિસ્તારને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરશે.
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust