નવરાત્રિ, દિવાળીમાં આતંકવાદી હુમલાનો કારસો પકડાયો

નવરાત્રિ, દિવાળીમાં આતંકવાદી હુમલાનો કારસો પકડાયો
પકડાયેલા છમાંથી બે આતંકવાદી પાકિસ્તાની : મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટકો જપ્ત
નવી દિલ્હી, તા. 14 : દિલ્હીમાં પાકિસ્તાનના મોટા આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનમાં તાલીમ લઇ ચૂકેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમનાં કબજામાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જાણકારી મળ્યા બાદ દિલ્હી પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડયા હતા. આ આતંકી જૂથ દેશભરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટનું ષડયંત્ર રચી રહ્યું હતું.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલનાં ડીસીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, આ માટે અનેક રાજ્યોમાં તપાસ કાર્યવાહી થઇ છે. આ કાર્યવાહી દરમ્યાન બંને આતંકવાદીઓ ઉપરાંત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ રીતે કુલ્લ છ લોકોની ધરપકડ થઇ છે. જેમને દિલ્હી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી પકડવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં તાલીમ લેનારા બંને આતંકવાદીઓનાં નામ ઓસામ અને જીશાન છે.
પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી ભારતમાં રહીને આ મોડયુલનો દોરીસંચાર કરતા હતા. અનેક રાજ્યોમાં પડાયેલા દરોડામાં કુલ છ સંદિગ્ધોની હથિયાર-વિસ્ફોટકો અને વાંધાજનક સાહિત્ય સાથે ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે તહેવારો પહેલાં દિલ્હીમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે આતંકીઓની ધરપકડથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. 
ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે કરાયેલી કાર્યવાહી અંગે પોલીસ સૂત્રો અનુસાર નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં બોંબ ધડાકા કરવાના કાવતરાના પર્દાફાશમાં હાથ લાગેલા શખ્સોમાં મોહમ્મદ અબુ બકર, ઓસામ, જાન મોહમ્મદ, જીશાન કમર, મૂલચંદ ઉર્ફે લાલા અને અમીર જાવેદ હાથ લાગ્યા છે. આમાં બે તાલીમ પામેલા આતંકીઓ છે જ્યારે અન્ય 4 સાગરીતો છે. આતંકી કાવતરાના તાર દિલ્હી, યુપી અને રાજસ્થાન સુધી જોડાયેલા છે. અન્ય 1પ હજુ શંકા હેઠળ છે જેઓ બાંગલા ભાષા બોલે છે.
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust