મેઘરાજાએ ધમરોળ્યું સૌરાષ્ટ્રને; વધુ ચાર દિવસનો ઍલર્ટ

મેઘરાજાએ ધમરોળ્યું સૌરાષ્ટ્રને; વધુ ચાર દિવસનો ઍલર્ટ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં વ્યાપક નુકસાન
  • ઘેડ વિસ્તારમાં કેટલાંય ગામો બૅટમાં ફેરવાયાં
  • 12થી 25 ઈંચ વરસાદથી પાક ધોવાયો
  • સેના અને એનડીઆરએફએ સાત હજારથી વધુ લોકેને બચાવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14: સૌરાષ્ટ્રમાં રવિવારની રાતથી સોમવારની સાંજ સુધીમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતે. રાજકોટ શહેર, લોધિકા તાલુકા, જૂનાગઢ જિલ્લાનું વિસાવદર, કેશોદ તથા જામનગર જિલ્લા પંથકને મેઘરાજાએ રીતસરનો ધમરોળી નાંખ્યો હતો. આજે મંગળવારે પણ કેટલાક પ્રદેશમાં હળવા-ભારે વરસાદ દરમિયાન જે વિસ્તારમાં વરસાદ નથી થયો અને ગઈકાલના ભરાયેલા પાણી ઓસર્યા છે, ત્યાં આજે અતિવૃષ્ટિએ વેરેલી તારાજીના દ્રશ્યો ઉપસી આવ્યા છે. અતિભારે વરસાદના અસરગ્રસ્ત જિલ્લાઓ જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેમાં ઘરવખરી, માલઢોર-પશુઓ અને ખેતરોમાં ઉભી મોલાતને ભારે નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે. ભારે વરસાદને કારણે રાજ્યના 201 રસ્તા બંધ થયા હતા. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગ, 162 પંચાયતના માર્ગનો સમાવેશ થાય છે. એસટી બસોના રાજ્યમાં 55 રૂટ બંધ કરાયા અને 121 ટ્રિપ રદ કરાઈ હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પૂરગ્રસ્ત સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા. પહેલા જામનગર અને બાદમાં રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોની પરેશાનીઓ સાંભળી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બાદમાં જામનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નુકસાનનો અંદાજ મળ્યા બાદ જરૂરી મદદની ખાતરી પણ આપી હતી. દરમિયાન, વેધશાળાએ સૌરાષ્ટ્રમાં વધુ ચાર દિવસો અતિવૃષ્ટિની આગાહી કરીને લોકો તેમ જ પ્રશાસનને અલર્ટ કર્યું છે.
જામનગરમાં અતિવૃષ્ટિને કારણે નાઘુના, કોંઝા, બાંગા, નવાગામ, ધુડશિયા, ખીમરાણા, અલીયાબાડા સહિતના ગામમાં ભારે વરસાદથી ખુવારી થઈ છે. હડિયાણા મરઘાઉછેર કેન્દ્રમાં અસંખ્ય મરઘાના મોત થયા છે. આ ગ્રામ્ય વિસ્તારમાં ખીલે બંધાયેલા અનેક પશુઓના પુરના પાણીમાં મોત નિપજ્યા છે. શહેરના ગઢની રાંગ વિસ્તારમાં રંગમતી-નાગમતી નદીના પાણી એક માળ સુધી પહોંચી ગયા હતા. જેને કારણે ઘરમાં રહેલા અનાજ, ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર, કબાટની અંદર રાખેલી કિમતી ચીજવસ્તુઓ અને કપડાં પણ પલળી ગયા હતા. સલામતી દળો દ્વારા 500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. જામનગરના 85 ગામડામાં હજુ પણ વીજપુરવઠો ઠપ છે જિલ્લામાં અનેક વીજપોલને નુકસાન થયું છે. એનડીઆરએફ, આઈએનએસ વાલસુરા, પોલીસ,  સલામતી દળો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જામનગર જિલ્લામાં કુલ 5906 લોકોનુ સ્થળાંતર થયું હતું. જામનગર નજીક અલીયાબાડા પાસે ધોવાયેલા રેલવે ટ્રેકનું યુધ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું હતું. નૌકાદળની બોટમાં સગર્ભા, વૃધ્ધો, બાળકો સહિત નાગરિકોનું રેસ્ક્યુ કરી ભોજન-પાણીની વ્યવસ્થા પૂરી પડાઈ હતી.
રાજકોટ શહેરમાં નિચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું. શહેરના અનેક ભાગમાં રોડની હાલત બદતર થઈ ગઈ છે. અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં આજે શાળાઓ બંધ રહી હતી.
મુખ્ય પ્રધાનનું પ્લેન ન ઉડયું : મોટર માર્ગે રાજકોટ પહોંચ્યા
જામનગરમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા લોકોની સંવેદના તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે અને પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના કાફલા સાથે વિમાન માર્ગે પરત જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ વરસાદના કારણે મુખ્ય પ્રધાનનું પ્લેન ઉડાન ભરી શકે તેવું વાતાવરણ નહીં હોવાથી ભૂપેન્દ્ર પટેલ કારમાં જમીન માર્ગે રાજકોટ જવા રવાના થયા હતા.
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust