ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બૅર ગ્રિલ્સ માં અજય દેવગણનું દરિયાઈ સાહસ

ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બૅર ગ્રિલ્સ માં અજય દેવગણનું દરિયાઈ સાહસ
ગયા વર્ષે ડિસ્કવરી પ્લસના શૉ મૅન વર્સીસ વાઈલ્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ ખુંદયું હતું. ત્યાર બાદ રજનીકાંત અને અક્ષય કુમાર જેવા કલાકારો પણ બૅર ગ્રિલ્સ સાથે સાહસિક સફર ખેડી આવ્યા છે. હવે વિશ્વ પ્રસિદ્ધ સાહસિર બૅરની સાથે બૉલીવૂડનો સિંઘમ અજય દેવગણ દરિયાઈ સાહસ ખેડશે. ડિસ્કવરી પ્લસ પર 22મી અૉક્ટોબરે સવારે છ વાગ્યે રજૂ થનારા `ઈનટુ ધ વાઈલ્ડ વિથ બૅર ગ્રિલ્સ'ના પાવરપેક્ડ એપિસોડમાં અજય અને બૅરનું હિન્દ મહાસાગરમાં સાહસ જોવા મળશે. જયારે 25મી અૉક્ટોબર રાતના આઠ વાગ્યે ડિસ્કવરીની તમામ ચેનલ, એનિમલ પ્લેનેટ તથા યુરોસ્પોર્ટ પર આ એપિસોડ જોવા મળશે. આમાં અજય અને બૅર શાર્ક તથા તોફાની હવામાનનો સામનો કરતાં આગળ વધતાં જોવા મળશે. વિશ્વભરના સેલિબ્રિટિઝ સાથે સાહસિક સફર કરનારા બૅરની સાથે અજય પોતાના પરિવાર, કારકિર્દી અને જીવન વિશે વાતો કરશે. આ ઉપરાંત કઈ રીતે ફિલ્મના ઍકશન દૃશ્યો માટે લીધેલી તાલીમ અત્યારે કામ લાગે છે તે પણ જણાવ્યું હતું. 
અજયે કહ્યું હતું કે, આ મારા જીવનનું પ્રથમ જીવસટોસટનું સાહસ હતું. મારા પિતા ઍકશન ડિરેકટર હતા અને મારી 30 વર્ષની કારકિર્દીમાં મેં ઘણા જોખમી દૃશ્યો ભજવ્યા છે પણ બૅર ગ્રિલ્સ સાથે થયેલો અનુભવ દિલધડક હતો. બૅરના આ પ્રકારના સાહસોથી અનેક લોકોને સાહસિક જીવનની પ્રેરણા મળે છે. ગીચ વન અને જંગલી પ્રાણીઓથી લઈને સમુદ્રના અતળ ઊંડાણમાં શું ધરબાયેલું છે તે જાણે છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust