આઇપીએલના ખિતાબ વિના કપ્તાન કોહલીની સફર સમાપ્ત

આઇપીએલના ખિતાબ વિના કપ્તાન કોહલીની સફર સમાપ્ત
હાર બાદ ભાવુક વિરાટ કોહલીએ કહ્યં, હવે આ ટીમ માટે ખેલાડી તરીકે પ્રયાસ ચાલુ રાખીશ
શારજાહ, તા.12 : કોલકતા નાઇટ રાઇડર્સના હાથે સોમવારે મળેલી 4 વિકેટે હાર સાથે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઇપીએલ-2021ની સફર સમાપ્ત થઈ છે. કપ્તાનના રૂપમાં પણ વિરાટ કોહલી માટે આ આખરી મેચ બની રહ્યો. આ વર્ષે વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ આરસીબી પાસે પહેલીવાર આઇપીએલ ચેમ્પિયન બનવાનો સોનેરી મોકો હતો, કારણ કે લીગ સ્ટેજમાં આ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યં હતું. જો કે નોકઆઉટ રાઉન્ડમાં તેઓ આ દેખાવનું પુનરાવર્તન કરી શક્યા નહીં અને કોલકતા સામે આખરી ઓવરમાં હારીને બહાર થઈ ગયા. આ હાર સાથે કોહલીની આઇપીએલ કપ્તાનીનો પણ નિરાશા સાથે અંત આવ્યો. કોહલીએ 8 સિઝનમાં બેંગ્લોરની ટીમનું નેતૃત્વ સંભાળ્યું પણ એકવાર પણ ટ્રોફી જીતાડી શકયો નહીં. મેચ બાદ કોહલી ભાવુક થયો હતો. તેણે કહ્યં કે આ ટીમને મેં દરેક સિઝનમાં 120 ટકા આપવાનો પ્રયાસ કર્યો. હવે હું આરસીબી માટે ફક્ત ખેલાડીનાં રૂપમાં મેદાનમાં ઉતરીશ અને ખેલાડીનાં રૂપમાં પ્રયાસ ચાલુ રાખીશ. આઇપીએલના આખરી દિવસ સુધી મારી આ ટીમ પ્રત્યે પ્રતિબદ્ધતા રહેશે.
કોહલીની કેપ્ટનશિપના લેખા-જોખા : 
વિરાટ કોહલીએ આરસીબીની 140 મેચમાં કપ્તાની કરી. જેમાં 66 મેચમાં જીત મળી અને 70 મેચમાં હારનો સામનો કર્યો. વિરાટના સુકાનીપદ હેઠળ આરસીબીએ 2015, 2020 અને 2021માં પ્લેઓફની ટિકિટ બૂક કરી. ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2016માં રહ્યં ત્યારે કોહલીએ ટીમને ફાઇનલ સુધી પહોંચાડી અને ઉપવિજેતાથી સંતાષ માનવો પડયો. 2016માં કોહલીએ 4 સદી સાથે રેકોર્ડબ્રેક 973 રન ખડક્યા. ખાસ વાત એ રહી કે કેપ્ટન તરીકેની પહેલી ઇનિંગમાં કોહલીએ 2011માં 39 રન કર્યા હતા અને આખરી ઇનિંગમાં પણ 39 રન કર્યા. હવે તે આરસીબી તરફથી ફક્ત ખેલાડીનાં રૂપમાં મેદાનમાં ઉતરશે. આઇપીએલમાં કેપ્ટનનાં રૂપમાં તેણે કુલ 4871 રન કર્યાં. જેમાં પ સદી અને 3પ અર્ધસદી સામેલ છે. આ દરમિયાન તેની બેટિંગ સરેરાશ 41.99 રહી. તે વર્ષ 2013થી આરસીબીનો ફુલટાઇમ કેપ્ટન બન્યો હતો.
હારનું ગણિત સમજાવતો કોહલી :
એલિમિનેટર મેચમાં બેંગ્લોરની ટીમે 7 વિકેટે 138 રન કર્યા હતા. જવાબમાં કોલકતાએ 19.4 ઓવરમાં 6 વિકેટે 139 રન કરીને જીત મેળવી હતી. મેચ બાદ હારનું કારણ આપતા કપ્તાન કોહલીએ કહ્યં કે સ્પિનર સુનિલ નારાયણની વિરુદ્ધ વિકેટ ગુમાવવી, એક ઓવરમાં 22 રનનો ખર્ચ કરવો અને 15 રન ઓછા કરવા હારનું મુખ્ય કારણ બની રહ્યા. અમારી બેટિંગથી તેમની બોલિંગ શાનદાર રહી તેમ પણ કોહલીએ કહ્યં.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust