ગોળની માગ-વપરાશમાં વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ગોળની સ્થાનિક બજારમાં માગ સુધરી ગઈ હતી. દિવાળી પૂર્વે અગાઉની ધારણા કરતાં ગોળની માગ વપરાશ પ્રમાણમાં સારી રહી હોવાથી સ્થાનિક વાશીનાકા ખાતે ગોળની આવકો વધી છે. વેપારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે હાજર બજારમાં વેચાણ માટે સાંગલી-કોલ્હાપુર ખાતેથી દૈનિક ધોરણે 7થી 10 ટ્રક ગોળની આવકો થઈ રહી હોવાનું જણાવ્યું છે. જોકે, છેલ્લા 15 દિવસથી સાંગલી ખાતેથી ગોળની આવકોનો હિસ્સો વધીને 90 ટકા પહોંચ્યો હતો.
સ્થાનિક જથ્થાબંધ બજારમાં સાંગલી ખાતે ગોળનો ભાવ રૂા. 3400 (ક્વિન્ટલ દીઠ)થી રૂા. 3800 સુધીનો હોવાનું વેપારીએ જણાવ્યું હતું. જોકે, એપીએમસીના વેરા-પરિવહન ખર્ચ અને હમાલી (મજૂરી ખર્ચ)માં વધારાની તીવ્ર અસર રિટેલ ભાવ પર હવે સ્પષ્ટ જણાઈ રહી છે.
સ્થાનિક રિટેલ બજારમાં ગોળનો સામાન્ય ક્વોલિટીનો ભાવ રૂા. 42થી રૂા. 44 સુધી (કિલો દીઠ) ક્વોટ થાય છે. જ્યારે અૉર્ગેનિક ગોળનો ભાવ રૂા. 52થી રૂા. 54 સુધી ક્વોટ થાય છે. દિવાળી સુધી ગોળની માગ સતત સારી રહેવાના સંકેત મળે છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust