સૂકામેવા, મસાલાની આયાત ન્હાવા શેવાથી થશે

સૂકામેવા, મસાલાની આયાત ન્હાવા શેવાથી થશે
આયાત મોડી પડશે અને ખર્ચ પણ વધશે
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 12 : અદાણીના મુંદ્રા સહિતનાં તમામ બંદરેથી અફઘાનિસ્તાન, ઇરાન અને પાકિસ્તાનથી આવતાં કન્ટેનરોને નહીં ઉતારવા દેવાનો નિર્ણય લેવાયા બાદ આ દેશોમાંથી આવતો સૂકોમેવો અને અન્ય સામાન બીજાં બંદરે લાવવામાં આવે તેવી શક્યતા વેપારી સૂત્રોએ વ્યક્ત કરી છે. અદાણી પોર્ટના આ નિર્ણયથી સૂકામેવાની આયાત નહીં અટકે પરંતુ બજારોમાં માલ પહોંચતાં થોડો વિલંબ થશે અને માલ થોડો મોંઘો થવાની પણ શક્યતા વેપારીઓએ `વ્યાપાર' સમક્ષ મુંદ્રા ખાતે આવેલા અદાણીના બંદર ઉપર અફઘાનિસ્તાનથી આવેલાં કન્ટેનરોમાં રૂા. 21,000 કરોડની કિંમતનું 3000 કિલો હેરોઇન જપ્ત થયા  બાદ અદાણી પોર્ટ્સે 15 નવેમ્બરથી તેમના ટર્મિનલ પર ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી મોકલવામાં આવેલ માલ ઉતારવામાં નહીં આવે એવું જાહેર કર્યું છે.
આ ત્રણે દેશોમાંથી આપણે ત્યાં સૂકામેવા તથા મસાલાની આયાત કરાય છે.
સૂકામેવાના દિલ્હીના આયાતકારો અદાણી પોર્ટસને બદલે દિલ્હી-તુઘલકાબાદ સ્થિત ઇનલૅન્ડ કન્ટેનર ડિપો (આઈસીડી) ખાતે માલ મગાવશે અથવા તો મુંબઈના ન્હાવા શેવા બંદરે આયાત કરશે. આથી ટૂંક સમય માટે પુરવઠો ઓછો થઈ શકે છે. માલ પાંચથી છ દિવસ જેવો મોડો મળવાની પણ સંભાવના છે પણ આયાત અટકશે નહીં, એમ વાશીની એપીએમસી સ્થિત કોમલ એકઝોઇટિક સ્પાઇસીસના અધ્યક્ષ ગોપાલભાઈ આહુજાનું કહેવું છે.
મુંદ્રા બંદરે આયાત બંધ થવાથી મુંબઈના આયાતકારોએ ન્હાવા શેવા ખાતે માલ મગાવવો પડશે. તેઓએ આયાતી ડૉક્યુમેન્ટ મુંદ્રા બંદરને સ્થાને ન્હાવા શેવા ટ્રાન્સફર કરવા પડશે. તેથી થોડો ખર્ચ વધી જતાં સૂકામેવાના ભાવ થોડા વધી શકે છે. પણ આયાત પર કોઈ આડઅસર નહીં થાય તથા પુરવઠો પણ જળવાઈ રહેશે એમ સારાહ ઇન્ટરનેશનલના ગુલામભાઈ ગોર્ડિલનું કહેવું છે.
અદાણી પોર્ટસ પર સૂકામેવાની આયાત નહીં થાય તો બીજાં બંદરે આયાત કરી શકાશે. જેમ કે મુંબઈના વેપારીઓ ન્હાવા શેવા બંદરે આયાત કરી શકે છે. આથી ન્હાવા શેવા બંદરે કામકાજ વધી જશે તે બંદરના અધિકારીની ચેકિંગની જવાબદારી વધી જશે. બીજાં બંદરે આયાત થતી રહેશે. જોકે, બજારમાં પુરવઠા ખેંચ થવાની શક્યતા જણાતી નથી. વેપારીઓને થોડીક તકલીફ થશે, પરંતુ આયાત થતી રહેશે એમ એપીએમસીના ખારેકના આયાતકારનું કહેવું છે.
ઇરાન અને અફઘાનિસ્તાનથી આપણે ત્યાં મુખ્યત્વે સૂકામેવાની આયાત થાય છે. વેપારીએ પોતાનો માલ અન્ય બંદરે લાવવા નવેસરથી ગોઠવણ/ વ્યવસ્થા કરવી પડશે. તેથી થોડો ખર્ચ વધે તો ભાવ પણ વધવાની શક્યતા છે. આયાતી માલ મેળવવામાં અગાઉ કરતાં સમય પણ વધુ થઈ શકે છે એમ માતાજી ટ્રેડિંગના અર્જુન ચૌધરીનું કહેવું છે.
અદાણી પોર્ટ્સને બદલે અન્ય બંદરે આયાત તો થઈ શકશે. ત્યાં આયાતી માલને ક્લિયર કરવાનું ભારણ વધી જશે. તેથી માલ ક્લિયર કરવામાં સામાન્ય કરતાં થોડો વધુ સમય થઈ શકે છે. તેથી ડયુમરેજ પણ લાગવાની સંભાવના છે. પરિણામે આયાતી ખર્ચ વધી શકે છે. કંડલા બંદરે જે ઝડપથી કામકાજ થાય છે તેવી સેવા અન્ય બંદરોએ નથી.
ટૂંકમાં અન્ય બંદરે આયાત કરવાનું રોકાશે નહીં કે અવરોધાશે નહીં, પરંતુ માલ કિલયર થવામાં વિલંબ થઈ શકે છે એમ મસ્જિદ બંદર સ્થિત ઠક્કર બ્રધર્સ મેવાવાળાના યોગેશ ગણાત્રાનું કહેવું છે.
વેપારીઓએ કંડલા બંદરને બદલે અન્ય બંદર પર માલ મગાવવાની કાર્યવાહી કરવી પડશે એટલે થોડુંગણું કામકાજ વધી જશે. એમ એપીએમસી સ્થિત ખારાવાલા પ્રોડક્ટ્સના સિદ્ધાર્થ ખારાવાલાનું કહેવું છે.
કંડલા બંદરે આયાત નહીં કરી શકાય તો વેપારીઓ અન્ય બંદરે આયાત શરૂ કરશે. આયાત અન્ય બંદરે ટ્રાન્સફર કરવાથી માલ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે, ખર્ચ પણ વધી શકે છે, પરંતુ આયાતમાં સમસ્યા નહીં થાય, પુરવઠા ખેંચ પણ નહીં સર્જાય. વેપારીઓ જે શહેરમાં હશે ત્યાં માલની આયાત કરવાની કાર્યવાહીમાં થોડો વધુ સમય થઈ શકે છે. આમાં ઘરાકને નહીં પરંતુ વેપારીઓને પ્રારંભમાં થોડી તકલીફ વધી જશે એમ એપીએમસી સ્થિત અૉલ ઇન્ડિયા હિંગના દેવેન્દ્ર વાહીનું કહેવું છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust