આરબીઆઇએ શ્રેઈ ઈન્ફ્રાના અૉડિટર હરિભક્તિ ઍન્ડ કંપની ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો

આરબીઆઇએ શ્રેઈ ઈન્ફ્રાના અૉડિટર હરિભક્તિ ઍન્ડ કંપની ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો
મુંબઈ, તા. 12 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નિર્દેશોનું અનુપાલન કરવામાં નિષ્ફળ જવા માટે અૉડિટ કંપની હરિભક્તિ ઍન્ડ કંપની ઉપર 1 એપ્રિલ 2022થી બે વર્ષ માટે કોઇપણ બૅન્કિંગ અને નોન- બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓનું અૉડિટ કામકાજ લેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 
વહીવટી સમસ્યાઓ અને પેમેન્ટ ડિફોલ્ટના કારણોસર આરબીઆઇએ શ્રેઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિ. (એસઆઇએફએલ) અને શ્રેઇ ઇક્વિપ્મેન્ટ ફાઇનાન્સ લિ. (એસઇએફએલ)ના બોર્ડ્સને ગત 4 અૉક્ટોબરે બરખાસ્ત કર્યા હતા. આ કંપની વર્ષ 2019 - 20 દરમિયાન લિસ્ટેડ હતી. હરિભક્તિ એસઆઇએફએલના અૉડિટર છે. 
મહત્ત્વની નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીના બંધારણીય અૉડિટ પાર પાડવા માટે આરબીઆઇએ  આપેલી સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જવા માટે આ પગલાં લેવામાં આવ્યા હોવાનું આરબીઆઇએ તેની વૅબસાઇટ ઉપર જણાવ્યું હતું.
હરિભક્તિ એન્ડ કંપની અનેક મહત્ત્વની બૅન્કો, સરકાર હસ્તક બૅન્કોનું અૉડિટ સંભાળે છે. આરબીઆઇ ઍક્ટની 45 એમએએએ કલમ હેઠળ આ અૉડિટ ફર્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ કોઇ અૉડિટ કંપનીને પ્રતિબંધિત કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
જોકે, આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આ નાણાં વર્ષ, 2021-22 માટે હરિભક્તિના કોઇ પણ એસાઇન્મેન્ટ ઉપર આ આદેશની અસર નહીં થાય. 
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust