અંબરનાથ કૅમિકલ ફૅક્ટરીમાં ગળતરથી 34 જણ બીમાર

અમારા પ્રતિનિધિ તરફથી
થાણે, તા. 12 : અંબરનાથ ખાતે મંગળવારે સવારે કેમિકલ ફેક્ટરીમાં ગૅસ લીક થવાને કારણે ઓછામાં ઓછા 34 લોકો બીમાર પડયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
લીકેજ બાદ ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ શ્વાસ લેવાની તકલીફ પડી રહી હોવાની સાથે આંખોમાં બળતરા થવાની અને બેચેની લાગતી હોવાની ફરિયાદ કરી રહ્યા હોવાનું થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા સંતોષ કદમે જણાવ્યું હતું. અંબરનાથ સ્થિત એમઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાંથી સવારે દસેક વાગ્યાની આસપાસ સલ્ફયુરિક ઍસિડ લીક થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાછળથી 34 લોકો જેઓ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરતા હતા તેમને ઉલ્હાસનગર ખાતે આવે સેન્ટ્રલ હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેમને સારવાર અપાઈ રહી છે અને દરેકની તબિયત સારી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. 
સ્થાનિક પોલીસ અને અગ્નિશમન દળ કેમિકલ લીકેજના કારણોની તપાસ કરી રહ્યા છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust